________________
હિસાબ તૈયાર થઈ જશે. તમારા જેવા સપૂતોના પ્રતાપી પૂર્વજોનાં નામ રાજયના ચોપડે “લેણદાર' તરીકે લાલ અક્ષરે નોંધાયેલાં રહે, એ મારે માટે તો આઘાતનો વિષય છે. આ આઘાતને તમે અપ્રસન્નતાનું નામ આપો, તો તમારા મોઢે લગામ લગાવનાર કોઈ જ નથી ! પણ મારી અપ્રસન્નતાનું ખરું કારણ તો એક આ જ છે !
દંડનાયક વિમલ સવિનય ઊભા થઈ ગયા. એમણે અંતરના અવાજને અણનમ રીતે રજૂ કરતાં કહ્યું : મહારાજ ભીમદેવ ! મને આશ્ચર્ય થાય છે કે, વનરાજ ચાવડાના સમયથી આ લેણું ચોપડે નોંધાયેલું હોય, તો શું વચમાંના કોઈ રાજાએ આની ઉઘરાણી નહિ કરી હોય અને આવી ઉઘરાણી થઈ હોત, તો શું લેણદાર'ના કલંક સાથે જ અમારા એ વડવાઓએ વિદાય લીધી હોય, એમ આપ માની શકશો ? અમારા ચોપડામાં આવું લેણું શોધવા હું પ્રયાસ કરીશ, આપના ચોપડામાંથી વ્યાજ સાથે લેણાનો હિસાબ નીકળતો હોય, એ મને જોવા તો મોકલજો ! મહારાજ, અંતરના અવાજને રજૂ કરતા કદાચ કંઈ અવિનય જેવું લાગ્યું હોય, તો ક્ષમા ચાહું છું, આ બાળકને એક પિતા તરીકે આપ ક્ષમા આપશો જ એવો વિશ્વાસ છે !
દંડનાયક વિમલ પોતાની વાત રજૂ કરીને ભરસભામાં ઊભા થયા, તેમજ વીર અને ધીરને છાજે એવાં પગલાં ઉઠાવતા તેઓ પોતાના ઘર તરફ આગે બઢ્યા. સભામાં સન્નાટો અને ગંભીરતા છવાઈ ગઈ, ભીમદેવે નહોતું ધાર્યું કે, પોતાનો આ દાવ, આવો ગંભીર વળાંક લેશે અને પ્રજાનું માનસ આવું સંક્ષુબ્ધ બની જશે ! આખા નગરમાં સૌ કોઈ છૂટથી બોલી રહ્યું કે, રાજાઓ કાચા કાનના હોય છે, એની આથી વધુ સ્પષ્ટ પ્રતીતિ તો કોણ કરાવી શકે? આ લેણાની વાત ચોક્કસ ઉપજાવી કાઢેલી એક બનાવટ જ હોવી જોઈએ, જેનો ઇરાદો દંડનાયક વિમલના તેજોવધ કરવા સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે !
મંત્રીશ્વર વિમલ
૨૧૯