________________
ભીમદેવની નજરમાં વધુ ક્રોધ ઊભરાયો, એમણે બીજા જ દિવસથી “તેજોવધનું એ નાટક શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો. દૃષ્ટિ ફરી જતાં સોહામણી સૃષ્ટિ પણ ભીમદેવને હવે બિહામણી ભાસતી હતી. એમને થતું હતું કે, વિમલનો મહેલ મારા માટે જેલ તો સાબિત નહિ થાય ને? બીજા દિવસે રાજસભા ભરાઈ. રોજની જેમ દંડનાયક વિમલનું આગમન થયું. ભીમદેવની ચરણરજ લઈને જ્યાં તેઓ પોતાના આસન પર બેસવા માંડ્યા, ત્યાં જ પશુશાળાનો રક્ષક એકી શ્વાસે દોડતો દોડતો આવ્યો. એના મોં પર ભયંકર ભયના ભણકારા હતા, થરથર કંપતા એણે પોકાર પાડ્યો : મહારાજ ગજબ થયો છે,પશુશાળામાંથી પાંજરું ખોલી નાખીને વાઘ છૂટો થયો છે. જો એને ફરી પાંજરે નહિ પૂરવામાં આવે, તો પાટણમાંથી લોકો ઊભી પૂછડીએ ભાગંભાગ કરવા માંડશે. માટે કોઈ પણ ઉપાયે વાઘ પાંજરામાં પાછો પુરાય, એવાં પગલાં ભરવા વિનંતી છે ! હજી તો એ પશુશાળાના મેદાનમાં જ ફરે છે, પણ જો એ નગરમાં ફરવા માંડશે, તો ગજબ થઈ જશે, ગજબ !
ભીમદેવે ભયભીત બનવાનો આભાસ વ્યક્ત કરતાં કહ્યું : મારી આ સભામાં તો “સિંહનાદ ધરાવતા નરસિહોનું અસ્તિત્વ છે. એમના માટે તો વિફરેલા આ વાઘને પાંજરામાં પૂરવો, એ કૂતરાને કબજામાં લેવા જેવી રમત-વાત છે. બોલો, આ વાઘને વશ કરવાનું બીડું કોણ ઝડપે છે?
ભીમદેવે ચોતરફ પ્રશ્ન ભરી નજર ફેરવીને અંતે એ નજરને દંડનાયક વિમલ પર સ્થિર કરી. એથી દંડનાયક તરત જ ઊભા થયા. એમણે કહ્યું : આપની આજ્ઞા હોય, તો આ બીડું હું ઉઠાવું!
રાજાએ કહ્યું : વિમલ ! કરો કેસરિયા ! આ વાઘ જો પાંજરામાં નહિ પુરાય, તો પાંજરામાં પુરાવાનો આપણો વારો આવશે. તમારા જેવા વીર હાજર હોય, ત્યાં પાટણને શી ચિંતા હોય ! મંત્રીશ્વર વિમલ 35 ૨૧૩