________________
મેળવેલી લોકપ્રિયતા જ મારી સામેના સંગ્રામનું વિનાશક બળ હશે, મારી આ સજ્જડ સમજણને હવે કોઈ ફેરવી શકશે નહિ !'
રાજાની આંખમાં અંગારા જેવી લાલાશ લબકારા મારી રહી. દામોદર મહેતાની સોગઠીએ બરાબર નિશાન વીંધ્યું હતું. એથી એમના અંતરમાં આનંદ સમાતો ન હતો. છતાં એ આનંદને ગંભીરતાના પડદા પાછળ છુપાવીને એમણે કહ્યું : મહરાજ ! આપની બુદ્ધિ-કુશળતા તો બેજોડ છે. એથી ઉતાવળે આંબા પકવવાની અધીરતાના અંશને પણ આધીન થયા વિના આપ વિમલનો કાંટો કાઢી નાખશો, એમાં મને જરાય શંકા નથી. છતાં જરૂર પડે, ત્યારે આ સેવકને જરૂર સેવા-કાર્ય ચીંધજો !
આ પછી રાજા-મહેતા વચ્ચે ખૂબ જ લાંબી એક મંત્રણા ચાલી. એમાં વિમલનો તેજોવધ થઈ શકે એવા અનેક વ્યૂહો નક્કી થયા. તેમજ કયા ક્રમથી એ વ્યૂહો અપનાવવા, એ પણ નક્કી થયું. છૂટા પડતી વખતે બંનેના મોંમાંથી એક જ સરખા શબ્દો નીકળ્યા : રાજા મિત્ર કેન દુષ્ટ શ્રુતં વા ! એવા અર્થમાં આ ઉચ્ચાર થતો હતો કે, જો મિત્ર માનીને વિમલ આવી દ્રોહભરી રાજરમત રમી લેવા માંગતો હોય, તો એ કાળજે લખી લે કે, રાજા વળી કોઈ દિ' મિત્ર તરીકે ટકી રહ્યાનું સાંભળ્યું કે જોયું છે ખરું ?
વિદાય થતા દામોદર મહેતાએ ભીમદેવને બીજી પણ એક વાત જણાવી કે, મહારાજ ! સાંભળવા મુજબ વિમલ આપને નમવામાં પણ રાજી નથી. એટલે એણે એક વીંટી બનાવી છે, જેમાં એના ભગવાનની પ્રતિકૃતિ હોય ! જેથી આપને નમતો દેખાતો વિમલ ખરી રીતે તો વીંટીમાં રહેલા પોતાના ભગવાનને જ નમે છે ! આપના પ્રભાવે એ આટલો આગળ આવ્યો. પણ આપને નમવામાં ય એ નાનમ સમજે છે! મહારાજ ! આવું આવું વિમલચરિત્ર તો અનંત છે ! કોણ એનો તંત પકડી શકે ને કોણ એનો અંત આણી શકે ?
૨૧૨
આબુ તીર્થોદ્વારક