________________
તરવૈયો મહાસાગર તર્યા બાદ કિનારે આવીને સંતોષનો શ્વાસ લે, એમ ભીમદેવ સંગ્રામના અનેક સાગરો ડહોળીને આવ્યા બાદ મળેલા વિજયનાં મોતી જોઈ-જોઈને સંતોષ અનુભવી રહ્યા હતા. શરદનું આકાશ જેમ નિરભ્ર હોવા છતાં એકાદ વાદળી કોઈ વાર એ નિરભ્રતાનો આછોપાતળો નાશ કરી દે, એમ અનેક યુદ્ધમાં વિજયી બન્યા બાદ ગુજરાતનું રાજકીય આકાશ નિરભ્ર હોવા છતાં પરમાર ધંધૂક સામેના સંગ્રામની વાદળી અવારનવાર એ નિરભ્રતાનો ભંગ કરતી હતી.
અવંતી-વિજયના સંગ્રામની એ પળોમાં રાજવી ભીમદેવ જ્યારથી પરમાર ધંધૂકને ભોજના પક્ષે ઝઝૂમતો જોયો હતો, ત્યારથી જ એ ધંધૂકને ધોળે દહાડે તારા દેખાડવા , એઓ ચંદ્રાવતી પર ચડાઈ લઈ જવાના મનસૂબા રચ્યા કરતા હતા. માતેલો સાંઢ ચોમાસું ચરે, પછી એની ઉન્મત્તતામાં શી ઓછાશ રહે ? ધંધૂકની વર્તમાન સ્થિતિ કંઈક આવી હતી. એથી ભીમદેવની નજર એકમાત્ર દંડનાયક વિમલ પર જ ઠરતી હતી કે, ધંધૂકને નાથવાની એકમાત્ર તાકાત આ દંડનાયક જ ધરાવે છે.
દંડનાયક વિમલનો નૂતન મહેલ તૈયાર થઈ ચૂક્યો હતો. એના ભવ્ય ગૃહમંદિરની પ્રતિષ્ઠાવિધિ ખૂબ જ ઠાઠમાઠથી ઊજવાઈ હતી. એમનું આ નૂતન નિવાસસ્થળ પાટણ આવનારા પરદેશીઓ માટે જોવાલાયક એક સ્થાપત્યના રૂપમાં દિવસે દિવસે વધુ વિખ્યાત બનતું જતું હતું.
પાટણમાં જાણે સુખ-શાંતિનો સૂર્ય ઝગારા મારી રહ્યો હતો. અને દંડનાયક વિમલની કીર્તિ-કથાઓ તો બધે ખૂબ જ હોંશે હોંશે બોલાતીસંભળાતી હતી. આમ ઉપર ઉપરથી જોનારાને તો એમ જ લાગતું કે, પાટણમાં શાંતિનું એકછત્રી સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે ! પણ આ શાંતિ પૂર ઊતરી ગયા પછી મંદ મંદ ગતિએ વહેતી નદીના વહેણ જેવી હતી કે ભરતીની પૂર્વ પળોમાં તોફાનને તાણી લાવવાની તાકાત
૨૦૨ ૬ આબુ તીર્થોદ્ધારક