________________
આપની પાસે મારા આ વરદાનની થાપણ ભલે રહી. મને જ્યારે લાગશે કે, મારી માગણી પૂરી કરવા આપ સમર્થ છો, ત્યારે આ થાપણ, આ વરદાનનો હું ઉપયોગ કરીશ !
ભીમદેવને મૂળરાજ ઉપર બહુ જ પ્રેમ હતો. એથી એમણે કહ્યું : બેટા ! તું આમ કેમ બોલે છે ? શું તારી માગણી પૂરી કરવા અત્યારે હું સમર્થ નથી, એમ તું માને છે ? તું અત્યારે આ સિંહાસનનું સ્વામીત્વ ઇચ્છતો હોય, તો આ ઇચ્છા પૂરી કરવા હું સમર્થ છું, તો આથી વળી વધીને તારી બીજી કઈ મોટી ઇચ્છા છે કે, અત્યારે એને પૂરી કરવા હું અસમર્થ હોઉં ?
મૂળરાજને વિશ્વાસ બંધાયો. એણે કહ્યું ઃ તો પિતાજી ! આ વરસે દુષ્કાળ છે, એથી ખેડૂતોનો બધો કર માફ કરી દો ! આ જ મારી માગણી છે. દુકાળથી દાઝેલા ખેડૂતો પર કરની ઉઘરાણી કરવી, આ તો ઘા ઉપર મીઠું ભભરાવવા જેવી ક્રૂરતાની પ્રવૃત્તિ છે. આપના જેવા દયાળુને આ શોભે ખરું ! આપ ઉદાર બનીને આ કર માફ કરશો, તો આવતા વરસે વધુ ઉદાર બનીને આ ખેડૂતો કર ભરી જશે ! આ સત્યની ખાતરી કરવી હોય, તોય એક વાર આ અખતરો કરવાની મારી વિનંતી છે !
રાજાને પોતાના પુત્રની આવી પરગજુ-વૃત્તિ પર ખૂબ ખૂબ હર્ષ થયો. એમણે ‘કર-માફી'ની જાહેરાત કરી દીધી.પૂરી પ્રજા આ માટે મૂળરાજનાં ઓવારણાં લઈ રહી, પણ આ ઓવારણાંના પ્રવાહને એકાએક આંસુઓના પૂરે ઘેરી લીધો. બન્યું એવું કે, આ પ્રસંગ બન્યા બાદ ત્રીજે જ દિવસે મૂળરાજનું એકાએક અવસાન થયું ! એ વર્ષે આકાશની આંખમાંથી તો આંસુઓની ધાર ન નીકળી, પણ મૂળરાજની અણધારી વિદાયથી સંતપ્ત બનેલી પ્રજાની આંખમાંથી એવો આંસુપ્રવાહ વહી રહ્યો કે, જો એને ખેતરમાં વાળવામાં આવ્યો હોત, તો કદાચ આંસુ ભીની એ ધરતી મબલખ પાકથી લચી ઊઠત !
મંત્રીશ્વર વિમલ
૨૦૧