________________
અવંતી વિજયમાં મહિનાઓ પસાર કરીને મહારાજ ભીમદેવ જ્યારે પાટણમાં પ્રવેશ્યા, ત્યારે બકુલાદેવી હર્ષ અનુભવે એ સહજ હતું કારણ કે એક પતિવ્રતા નારીની અદાનો પોતાનો જીવન-વ્યવહાર આ વિજય-યાત્રાના દિવસો દરમિયાન એણે જાળવી જાણ્યો હતો. ગુપ્તચરો દ્વારા આ સમાચાર મળતાં જ ભીમદેવ બકુલાદેવીની આવી નિયમનિષ્ઠા પર ખૂબ જ ખુશ થયા અને શુભ દિવસે એમણે પોતાની એક રાણી તરીકે બકુલાદેવીને અંતઃપુરમાં પ્રવેશ આપ્યો.
આ બકુલાદેવીની ‘વંશપરંપરા'માં જ આગળ જતાં પરમાર્હત્ શ્રી કુમારપાળ ભૂપાલ થયા, બકુલાદેવીના પુત્રનું નામ ક્ષેમરાજ. એનો પુત્ર દેવપ્રસાદ. એનો પુત્ર ત્રિભુવનપાળ અને એના ત્રીજા પુત્ર કુમારપાળ ભૂપાળ ! આમ, બકુલાદેવી એક મહાન રાજવીના જનમમાં પરંપરાએ નિમિત્ત બનવાનું ભાગ્ય ધરાવતી હતી.
ભીમદેવની એક પટરાણીનું નામ ઉદયમતી હતું. એના પુત્રનું નામ કર્ણદેવ હતું, આ કર્ણદેવનો પુત્ર ભવિષ્યમાં જયસિંહ સિદ્ધરાજ - તરીકે ખૂબ જ ઇતિહાસપ્રસિદ્ધ બનવા પામ્યો. આ રીતે ભીમદેવનું શાસન વિ. સ. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધી ૪૨ વર્ષ પર્યંત ચાલ્યું.
કર્ણદેવની જેમ ભીમદેવને એક મૂળરાજ નામનો પુત્ર પણ હતો, એ ભારે દયાળુ હતો, એક વાર અનાવૃષ્ટિના કારણે ચિંતાતુર ખેડૂતો રાજકર કંઈ રીતે ભરી શકશે, એ વિચારથી વધુ દુ:ખી થતા હતા. બધા ખેડૂતોએ મૂળરાજ પાસે જઈને આ દુઃખ જણાવ્યું. એનું દિલ દ્રવી ઊઠ્યું કે, આ કેવી રાજ્યવ્યવસ્થા ! ખેડૂતનો તો બધો આધાર મેઘરાજાની મહેર પર જ હોય છે. એક બાજુ મહેરનો અભાવ હોય અને બીજી બાજુ કરની ઉઘરાણી કરતા રાજ્યાધિકારીઓનો કાળો કેર ચાલુ હોય, આ તો પડતાને પાટુ મારવા જેવી પ્રવૃત્તિ ગણાય !
મૂળરાજ અશ્વનો જબરો ખેલાડી હતો. એક દિવસ પોતાની અશ્વવિદ્યાથી પિતા ભીમદેવને એણે ખુશખુશાલ કરી નાખ્યા. પછી એમણે વરદાન યાચવાનું જણાવ્યું, ત્યારે મૂળરાજે કહ્યું : અત્યારે
આબુ તીર્થોદ્ધારક
૨૦૦