________________
થાબડ્યા વિના ન જ રહી શક્યા : ભાઈ ! આનું નામ જેની બુદ્ધિ, એનું બળ !
પાટણના પાદરે સરસ્વતી નદીનાં જળ અવિરત વહી રહ્યાં હતાં, એથી વધુ ઝડપે સમયની સરિતા વહી રહી હતી. સિંધ અને ચેદિ પર જવલંત વિજય મેળવ્યા બાદ બીજાં બીજાં પણ અનેક યુદ્ધો જીતવામાં દંડનાયક વિમલે પોતાની અજોડ બાણવિદ્યાનું પરાક્રમ બતાવ્યું હતું, અને ગુજરાતના ગૌરવને એક એવી ચરમ સીમાએ પહોંચાડ્યું હતું કે, એથી ખુશ થઈને નાડોલપતિ ને દિલ્હીપતિ જેવા અન્ય અન્ય રાજાઓએ પણ દંડનાયક વિમલને સુવર્ણજડિત સિંહાસન અને છત્ર આદિ ભેટ રૂપે આપ્યાં હતાં. આમ, તાજ વિનાના રાજા તરીકે દંડનાયક વિમલની કીર્તિનો ચાંદ બીજના ચંદ્રની જેમ દિવસે દિવસે વધુ ખીલી રહ્યો હતો.
ગુર્જરપતિ ભીમદેવનું નામ-કામ ત્યારે એક પરાક્રમી રાજવી તરીકે ખૂબ જ મશહૂરતા પામી રહ્યું હતું. એમની પરાક્રમી વૃત્તિ કથાઓ બનીને દેશભરમાં ફેલાઈ રહી હતી. દામોદર મહેતાના પૂરા પ્રયત્નો હોવા છતાં ભીમદેવના રાજ્યદરબારમાં દંડનાયક વિમલનું સ્થાન-માન જરાય ઓછાશ નહોતું પામી શક્યું. ભીમદેવ અંતરથી માનતા હતા કે, ગુર્જરનું ગૌરવ વધારવામાં મંત્રી નેઢ અને દંડનાયક વિમલનો ફાળો અમૂલ્ય છે. આમ છતાં ભીમદેવનું એક ચિરસેવિત સ્વપ્ન હજી પણ અફળ જ રહેવા પામ્યું હતું. એ સ્વપ્ન હતું: અવંતિ-વિજયનું ! એઓ એક વાર પણ ભોજરાજાને હરાવીને અપ્રતિમ પરાક્રમીનું બિરુદ પામવા માંગતા હતા. અને આ માટે માળવાનું વાતાવરણ અવારનવાર જાણવા મળ્યા કરે, એ માટે છેલ્લાં કેટલાંય વર્ષોથી તેઓએ સંધિવિગ્રહિક ડામરને એલચી તરીકે લગભગ ધારાનગરીમાં જ રાખવાનું નક્કી કર્યું હતું.
ચિર-દષ્ટ આ સ્વપ્ન સાકાર થવાની, હૈયાધારણ મેળવી શકાય, એવા સમાચાર એક દહાડો એકાએક જ આવ્યા : ડાહલ દેશના રાજા
૧૯૪ ૬ આબુ તીર્થોદ્ધારક