________________
એનો વધ કરીને, એક મિત્રરાજ્ય તરીકેનું આ કર્તવ્ય અવશ્ય અદા કરજો !
આંખમાંથી આંસુઓની સરવાણી ખેંચી લાવે, એવું આ ફરમાન હોવા છતાં ડામરે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું : મહારાજ ભોજ ! પ્રાણપ્યારી જન્મભૂમિની સેવા કાજે શહીદ થવાનો આવો અવસર મને ફરી ક્યારે મળવાનો હતો? માટે હું ઇચ્છું છું કે આપ આ ફરમાનનો અમલ જેટલો વહેલો કરશો, એટલો હું વહેલો કૃતાર્થ અને ધન્ય બનીશ, માટે આપ તલવાર તાણો, હું મારું માથું આપને આધીન કરવા અધીરો બન્યો છું.
આખી સભામાં આશ્ચર્ય ફેલાઈ ગયું કે, ડાહ્યો આ ડામર આજે આવો પાગલ કેમ થઈ ગયો? આની વાત આજે મો-માથા વિનાની કેમ લાગે છે ! આ રીતે મરવાને અને જન્મભૂમિની સેવાને શો સંબંધ હોઈ શકે ? સૌની આંખ અને સૌનાં અંતર આશ્ચર્યના તરંગો પર તરી રહ્યાં હતાં. ત્યાં તો ડામરે નવો ગપગોળો ગબડાવતાં સાવ સહજ ભાવે કહ્યું કે, નક્કી મારા જન્માક્ષર ભીમદેવને મળી ગયા હોવા જોઈએ ! ઓ મારા જન્માક્ષર ! તને પણ ઝાઝા જુહાર ! કેમ કે તારા પ્રભાવે જ મારા માટે આજે જન્મભૂમિની જાહોજલાલી કાજે ફના થઈ જવાની અને એથી જ મોતને મહોત્સવ માનીને માણવાની ધન્ય ઘડી ઉપસ્થિત થઈ !
રાજા ભોજ હવે મૌન ન રહી શક્યા. એમણે ડામરને કહ્યું : તમે જરા વિગતવાર વાત કરો, તો કંઈ સમજણ પડે. તમારી વાતના અંકોડા અમારા મનમાં જોડાવા જોઈએ ને ? માટે પહેલાં બધી વાત કરો, પછી આ ફરમાન અંગે વિચારીશું!
ડામરે કહ્યું : મહારાજ ! આમ નહિ. પહેલાં આપ મને આ ફરમાનનો વહેલી તકે અમલ કરવાની બાંયધરી આપો, પછી હું આ બધી વાતનો બરાબર મેળ બેસાડી આપું ! મારે મન આજે મરવાનું મહત્ત્વ વધુ છે, માટે આપ આ વાત કબૂલો, પછી હું મારા મૃત્યુના રહસ્યને ખુલ્લું કરીશ ! મંત્રીશ્વર વિમલ છે ૧૮૯