________________
દ્વારેથી આવી તકે પ્રવેશ મેળવ્યો અને એથી મહારાજ ભીમદેવ એની પર એટલા બધા ખુશ થયા કે, કીર્તિ અને કંચનના બે હાથથી એમની કૃપા ડામર પર વરસી રહી. થોડા વખતમાં તો ડામરનું આ પરાક્રમ ગુજરાતમાં ગામડે ગામડે પ્રસિદ્ધિ પામી ગયું.
મંત્રી નેઢ અને દંડનાયક વિમલ જેવા અગ્રણીઓ પણ ડામરની કપટ-કુશળતા પર વારી ગયા અને આ બનાવ પછી ડામરનું સ્થાનમાન ભીમદેવની રાજ્યસભામાં પણ વધી ગયું. આ વાતને વરસો વીતી ગયાં. આ ગાળામાં પોતાની બુદ્ધિના બળથી ડામરે ગુજરાતની ઘણી સેવા બજાવી તેમજ દેશોદેશમાં ગુજરાતનો ગૌરવ-ધ્વજ અણનમ લહેરાતો રાખવામાં ખૂબ યશસ્વી ફાળો આપ્યો.
ભીમદેવ ડામરના બુદ્ધિબળ પર જેટલા ખુશ હતા, એટલા જ એના આખાબોલાપણાના અવગુણ પર નાખુશ હતા. પણ આ નાખુશી વ્યક્ત કરાય, એવી નહોતી, કારણ કે વાતે વાતે ડામરની જરૂર પડતી હતી, છતાં પણ એવો કોઈ બોધપાઠ મળે, અને આ અવગુણ ડામરમાંથી વિદાય થઈ જાય, એવી તક તો ભીમદેવ ગોતતા જ હતા.
એક વાર ડામરને અવંતિની રાજ્યસભામાં મહત્ત્વનાં કારણોસર મોકલવાનું નક્કી થયું. આ અંગેની બધી સમજાવટ આપીને ભીમદેવે ડામરને રજા આપી. પણ ભીમદેવની દૃષ્ટિએ અવંતિ-ગમન પાછળનું પ્રયોજન ખૂબ જ મહત્ત્વનું હતું, એથી કંઈક યાદ આવતાં ડામરને ફરી બોલાવીને એમણે પુનઃ જરૂરી સલાહસૂચના આપી. ડામરને થયું કે, આટલી સામાન્ય સૂચના શું હું ન સમજી શકું? છતાં એ મૌન રહ્યો અને વિદાય થયો. થોડી પળો બાદ ભીમદેવે એને બોલાવીને ફરી કંઈક સૂચવ્યું. આવું બે ત્રણ વાર બનવા પામ્યું, એથી ડામરને ભીમદેવની બાળબુદ્ધિ પર હસવું આવ્યું. એણે કહ્યું : મહારાજ ! હવે કંઈ શિખામણ આપવાની બાકી રહેતી હોય, તો આપી દો. જેથી હું જલદી માળવા તરફ પ્રયાણ કરી શકું. મંત્રીશ્વર વિમલ છે ૧૮૭