________________
ભીમદેવ ગમ ખાઈ ગયા. કારણ કે અત્યારની આ પળે મિજાજ ગુમાવવામાં જરાય મજા નહોતી. જરૂરી તૈયારીઓ કરીને એક દહાડો સંધિવિગ્રહિક ડામર અવંતિ ભણી રવાના થયો, અને રાજા ભોજની છાવણીમાં જઈ પહોંચ્યો. ભોજે ડામરને માનથી બોલાવ્યો : બોલો ડામર ! કેમ આવવાનું થયું?
ડામરે વળતો જ જવાબ વાળ્યો : કેમ આવવું થયું એટલે વળી શું ? આ તે કંઈ પ્રશ્ન છે ? આપે ગુજરાત તરફ જે વિજય-યાત્રા લંબાવી છે, એનું સ્વાગત કરવાની મારી ફરજ નથી શું? આપની આ વિજયયાત્રા રસ્તો ભૂલીને ગુજરાતના બદલે બીજા કોઈ પ્રદેશમાં પહોંચી ન જાય, એટલે ભોમિયા તરીકેની જવાબદારી અદા કરવા મને રાજા ભીમદેવે આપની પાસે મોકલ્યો છે. તડ અને ફડ કરવાના ડામરના સ્વભાવનો ભોજને પણ સારામાં સારો પરિચય હતો. એથી જરાય મિજાજ ગુમાવ્યા વિના એમણે પૂછ્યું : શું ગુજરાતની આટલી બધી જોરદાર તૈયારી છે ! સાંભળ્યું છે કે, ગુજરાતમાં તો દુકાળની ફાળ આગળ ને આગળ વધી રહી છે !
અરે ! મહારાજ ! દુકાળ છે, એની તો ક્યાં કોઈ ના પાડી શકે એમ છે ! પણ ગુજરાતના સમૃદ્ધ કોઠારો અને સરોવરો સામે આવા દુકાળનું શું ગજું કે, એ દેશને દૂબળો બનાવી જાય ! ગુજરાત પાસેની સમૃદ્ધિની માળવાને તો કલ્પનાય ક્યાંથી આવી શકે ? આવા એક નહિ, દસ દસ દુકાળો એકસામટા આવે, તોય ગુજરાત ગૌરવભેર ખડું રહેવા સમર્થ છે ! માટે આપ દુકાળની ચિંતા કરીને, આ વિજયયાત્રાની વાટને બદલવાના કોઈ વિચારને જરાય અવકાશ ન આપતા ! આપ છાતી પર હાથ મૂકીને, મને પૂરેપૂરો વિશ્વસ્ત બનાવો કે, આ વિજયયાત્રાની વાટ નહિ જ બદલાય, તો જ મને સંતોષ થાય કે, ગુજરાતના કાંડામાં લડાઈ લડી લેવાની જે ચળ ઊપડી છે, એ હવે જરૂર વિના વિલંબે સંતોષાશે ! મંત્રીશ્વર વિમલ છે ૧૮૧