________________
પાટણના પાદરે વહેતી સરસ્વતી તો એક નદી જ હતી, કોઈ સાગરનો કિનારો વસવા માટે પાટણને મળ્યો ન હતો. પણ આજે ભીમદેવની વિજયયાત્રામાં જે માનવો ઊમટ્યા હતા, એ જોતાં એમ જ લાગતું હતું કે, આવા માનવ સાગરની વચ્ચે વસવાનું પુણ્ય તો પાટણને જ મળ્યું હશે ! એ વિરાટ માનવ સાગરની પીઠ પર સવાર થઈને ભીમદેવની વિજયયાત્રા રાજભવનમાં પહોંચી, એ દિવસથી હવે ચોરે અને ચૌટે ચર્ચાતી વાતનો વિષય બદલાયો હતો, ભીમદેવ, વિમલ અને સંગ્રામસિંહના પ્રચંડ પરાક્રમને નજરોનજર નિહાળનારા સૈનિકોનો સહારો પામીને વાટે ને ઘાટે, ચોરે ને ચૌટે આ વિજયયાત્રાની પ્રશસ્તિઓ જ ચર્ચાવા માંડી.
પાટણ આ વિજયનો ઉલ્લાસ ઊજવવામાં પડ્યું હતું, ત્યારે એનો રાજકીય રંગમંચ મંત્રણાઓના પડદા પાછળ કોઈ બીજી જ ગૂંચને ઉકેલવા-વિચારવા ઉત્સુક હતો, પણ બે ત્રણ દિવસ સુધી એ ઉત્સુકતાને પ્રતીક્ષા કરવી પડી, ત્યાર પછી એક બપોરે મંત્રણા પ્રારંભાઈ.
ગંભીરતાથી સભર એ ચહેરાઓ વચ્ચે પણ દામોદર મહેતા ખુશખુશાલ જણાતા હતા. કારણ કે મંત્રી નેઢનો તેજોવધ કરવાની તક આજે એમના હાથમાં પહેલવહેલી જ આવી હતી અને એઓ એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાના ઉત્સાહમાં હતા.
શાંતિથી પ્રારંભાયેલી એ મંત્રણામાં કશી જ નબળી કડી ન મળતાં, થોડી વાર પછી તક સાધીને દૂધમાંથી પોરા કાઢવાની અદાથી દામોદર મહેતાએ એ શાંતિને ખળભળાવી મૂકવા પથ્થર નાખ્યો ઃ ‘મંત્રીશ્વર નેઢ ! પણ કાંડાં કાપી આપવાની શી જરૂર હતી ? લખેલું લાખો વર્ષ પછીય વંચાય. દંડમાં તમે થોડું વધુ આપ્યું હોત, તો કોઈનેય એ ખૂંચત નહિ. પણ જયપત્ર પર મત્તુ મારીને તો તમે હવેલી લેતાં ગુજરાત ખોવું પડ્યું હોય, એવો ઘાટ ખડો કર્યો છે.’
મંત્રીશ્વર વિમલ
૧૭૩