________________
પાટણની હાકલ આવી પડી, ત્યાં એમણે ઝડપી દડમજલ કરીને પાટણ પહોંચી જવાનો નિર્ણય કર્યો.
ભીમદેવ એ નહોતા સમજી શકતા કે, માલવ સેનાપતિ કુલચંદ્રે પાટણ પર ચડાઈ કરી કે પાટણના પૂતળા પર ! દંડની ભરપાઈ, જયપત્રનું લખાણ અને બીજી બીજી પણ એ સંદેશામાં લખાયેલી વિગતો ભીમદેવ માટે વિચારણા-ચિંતાનો વિષય બને એવી હતી, મનમાં અનેક પ્રશ્નો પ્રેરતી એ વિગતોની પૂરી જાણકારી મળ્યા વિના મહામંત્રી નૈઢની આગેવાની નીચે લેવાયેલા એ પગલા અંગે અત્યારે કોઈ પણ જાતનો અભિપ્રાય બાંધવાની ઉતાવળી વૃત્તિની ભીમદેવમાં તો સંભાવના હોય જ ક્યાંથી ? પરંતુ દામોદર મહેતાને આ સમાચાર મળ્યા અને એમણે ખણખોદ શરૂ કરી દીધી.
મહામંત્રી નેઢને માથે પાટણની જવાબદારી સોંપીને ભીમદેવની વિજયયાત્રા પ્રારંભાઈ હતી અને દંડનાયક વિમલ તેમજ સેનાપતિ સંગ્રામસિંહ અંગે મહેતાએ ધારેલી બધી ધારણાઓ તો ક્યારનીય ધૂળમાં ધમરોળાઈ ગઈ હતી, એટલું જ નહિ, આ બંને જૈન મંત્રીઓને
આ સંગ્રામે જે લખલૂટ કીર્તિની કમાણી કરી આપી હતી, એની કલ્પનાથી જ દામોદર મહેતાનું દિલ ઈર્ષાના તાપથી બળી ઊઠતું હતું. એથી એને ઠારવા ઝાંવા મારતા મહેતા વિચારી રહ્યા હતા કે, વિમલ નહિ, તો વિમલનો ભાઈ નેઢ ! નેઢને વાઢી નાખવાની આ તક સારી છે. નેઢ વઢાશે, એટલે વિમલની કીર્તિમાં થોડી તો ઝાંખપ લાગશે ને ? એક દિવસ એકાંત સાધીને મહેતાએ ભીમદેવના કાનમાં ઝેર રેડતાં કહ્યું :
‘મહારાજ ! આ બે વિજયો તો આપણને ઝળહળતા મળ્યા એમાં તો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી. પણ મને પેલી કહેવત યાદ આવે છે : ‘હવેલી લેતાં ગુજરાત ખોયું !'
ભીમદેવ વાત પામી જઈને બોલ્યા : મહેતા ! પાટણથી જે કંઈ સમાચાર આવ્યા છે, એના અંગે અત્યારે કંઈ પણ કહેવું કે કોઈ પણ
મંત્રીશ્વર વિમલ
૧૭૧