________________
કુલચંદ્ર એવી ગર્વાનુભૂતિ કરતો અવંતિ તરફ ગયો કે, મારી સોયની પણ તાકાત કેવી કે, શૂળનો ઉપયોગ કરવાનો વખત જ ન આવ્યો ! પાટણના તત્કાલીન આગેવાનો એવી સંતોષાનુભૂતિ કરી રહ્યા કે હાશ ! શૂળીની સજા સોયથી પતી !
વિજય એક એવો નશો છે કે, એની અવળી અસર, વિજેતા વિવેકી ન હોય, તો એના અંગેઅંગને ઘેરી લેતી હોય છે. ઘણી વાર ઘણી સહેલાઈથી, ખૂબ જ ઓછા પ્રયત્ન કોઈ મહાન સફળતાની પ્રાપ્તિ થઈ જતી હોય છે, તો પણ એ સફળતાનું પાચન થઈ શકતું નથી અને અભિમાનનો આફરો અનુભવનાર સિદ્ધિનો એ સ્વામી એવાં અજુગતાં અને ઉતાવળિયાં પગલાં ભરતો હોય છે કે, પ્રાપ્ત સફળતાથી હાથ ધોઈ નાખવાનો અંજામ વેઠવો, એને માટે અનિવાર્ય થઈ પડે !
ચિત્રમાં ચિતરાયેલા પાટણના વિજય જેટલુંય જેને સ્થાન-માન ના આપી શકાય, એ જાતનો પાટણ-વિજય મેળવીને નીકળેલા મદાંધ કુલચંદ્રને આવો અંજામ ચખાડીને બોધપાઠ આપવા સ્તંભનપુર ખંભાત તૈયાર જ હતું. એમાં વળી કુલચંદ્ર સામે ચડીને નિમિત્ત આપ્યું, પછી તો પૂછવાનું હોય જ શું?
પાટણથી અવંતિ તરફ પાછા ફરતા કુલચંદ્ર વિચાર્યું કે, દાળ ભેગી ઢોકળી પણ ચડી જતી હોય, તો શા માટે ન ચડાવવી ! સ્તંભનપુર નજીકમાં જ છે, તો શા માટે ત્યાં પણ અવંતિનો વિજયવાવટો ન ફરકાવવો !
| વિજયાંધ કુલચંદ્ર આમ અવિચારી નિર્ણય કરીને સ્તંભનપુરને સંગ્રામભૂમિમાં ખડા થઈ જવાની હાકલ કરી. પરંતુ સ્તંભનપુરના સામાન્ય ગણાતા સૈનિકોનો સામનો કરતાં ય કુલચંદ્રને ધોળે દિવસે તારા દેખાયા, અને સ્તંભનપુરે વધુ પરાક્રમ બતાવીને, પાટણની કહેવાતી જીતનો નશો ઉતારી નાખ્યો, અને કુલચંદ્ર પાસેથી લૂંટ અને દંડની તમામ લક્ષ્મી કબજે કરીને અંતે એને નસાડી મૂક્યો.
૧૬૮ ૬ આબુ તીર્થોદ્ધારક