________________
ત્યારે પાટણનું સુકાન જેના હાથમાં હતું, એ મહામંત્રી નેઢ આદિ આગેવાનો ભેગા થયા અને સર્વનાશ સમુપસ્થિત થયો હોય, તો બચાવાય એટલું બચાવી લેવાનાં, અગમચેતીનાં પગલાં લેવા રૂપે, સંધિ કરી લઈને કુલચંદ્રને વિદાય કરવાનો નિર્ણય લેવાયો.
કુલચંદ્ર તો પડતાને પાટુ મારવાની કાયરને યોગ્ય કળામાં પૂરો નિષ્ણાત હતો. એણે પાટણ સામે પોતાની માગણીઓ મૂકતાં કહ્યું કે, જયપત્ર લખી આપો, દંડની અમુક રકમ ભરપાઈ કરો અને માલવાના વિજયની સ્મૃતિ રાખવા આ રાજમહેલના આંગણે મને મારું પરાક્રમ દાખવવાની છૂટ આપો, તો જ હું વિદાય થાઉં, નહિ તો પાટણને લૂંટવાની આવી મજા મને ફરી ક્યાં પાછી મળવાની હતી ?
કુલચંદ્રની માંગણીઓ પાટણની પ્રતિષ્ઠા સામે પડકારરૂપ બની જાય એવી હતી, છતાં આ પળે પાટણને હેમખેમ રાખવાની વાતને અગ્રિમતા આપવી જરૂરી હતી, એથી કુલચંદ્રની આ માગણીઓ પણ સ્વીકારાઈ ગઈ.
પાટણે ‘જયપત્ર'માં લખ્યું કે, અવંતિ ખરેખર મહાન છે, એથી સિંધ પરની વિજયની સવારીમાં ઝળહળતો વિજય મેળવીને ચેદિરાજને જીતવા કટિબદ્ધ બનેલા પાટણપતિ શ્રી ભીમરાજ, દંડનાયક શ્રી વિમલ, સેનાપતિ શ્રી સંગ્રામસિંહ આદિ કોઈની રજા લીધા વિના જ અમે માલવાની મહાનતા સામે માથું ઉઠાવવા માગતા નથી !
ઘણી બુદ્ધિથી લખાયેલા અને અવંતિની મહાનતા માનવા કાજે કેવા વિકટ સંયોગો પાટણને ફરજ પાડી ગયા, એનો અણસાર સૂચવતા એ ‘જયપત્ર’ને વિજયના મદમાં ઘેલા બનેલા કુલચંદ્રે ખૂબ જ ભવ્ય માનીને સ્વીકારી લીધું, એણે થોડોક દંડ લીધો અને રાજભવનનું આંગણું ખોદાવીને ત્યાં કોડીઓનું વાવેતર કરીને એ ચાલ્યો ગયો. આવી રીતે વિજેત દેશોની આબરૂ લૂંટવા, એની કિંમતી જમીન ખેડીને ત્યાં કંઈક વાવવાનો રિવાજ એ વખતે પ્રચલિત હતો.
મંત્રીશ્વર વિમલ
૧૬૭