________________
શક્યા હોત, પણ પોતાની પર ‘વણિક’ તરીકે કરેલા જૂઠા આક્ષેપોની સરાસર અસત્યતા પુરવાર કરવા જ વિમલે જાણે બાલ-૨મતનો આશરો લીધો હતો. અને યુદ્ધ લંબાવ્યું હતું.
વિમલે ચોમેર નજર કરી, સૌ પોતાને ફાટી આંખે નિહાળી રહ્યા હતા. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. વિમલે એક એવો દાવ અજમાવ્યો કે, સિંધરાજની ચોટી પોતાના હાથમાં આવી ગઈ. હર્ષની કિકિયારી અને શોકની ચિચિયારીથી એકી સાથે એ મેદાન ઊભરાઈ ઊઠ્યું. વિમલે તલવાર તાણીને કહ્યું :
સિંધરાજ ! આ તલવારને ત્રાજવું સાબિત કરી આપવાની અને આમાં તમારી કાયરતાનો તોલ કરવાની પળ મારા હાથમાં જ છે. પણ આ યુદ્ધ આટલું જલદી પૂરું થઈ જાય, તો લોક મને બાયલો ગણે કેઆવા કાયરની સાથે બાખડ્યો અને એક કીડી પર કટક લઈ ગયો ? એથી હાથમાં આવેલા શિકારને છોડવાની અદાથી હું તમને છોડી મૂકું છું. અમારા રાજવી ભીમદેવનાં સાક્ષાત્ દર્શન કરીને, પુણ્ય કમાવાની તક તમને મળે, એ માટે જ આજે હું તમને જવા દઉં છું, કાલે ફરી મળીશું. તૈયાર થઈને આવશો, તો આજ કરતાં કાલે રમવાની વધારે મજા પડશે.
સંગ્રામને સમેટી લેવાની સૂચના આપતું રણવાઘ વાગતાં જ બંને પક્ષીય સૈન્ય પોતપોતાની છાવણીમાં જઈ પહોંચ્યું. પણ સૌના મોંમાં વિમલ સિવાય કોઈનું નામ મમળાતું નહોતું. ભીમદેવ વિમલની વીરતાની વાતો સાંભળીને ખુશખુશ થઈ ગયા.
બીજા દિવસની સવારે રણઝાલરીનો નાદ થતાંની સાથે જ બંને પક્ષો મેદાનમાં ઊતરી આવ્યા. આજે ભીમદેવ પોતાનું ભીમ-સ્વરૂપ બતાવીને સિંધરાજને ગુજરાતનું ગૌરવ બતાવી દેવા થનગની રહ્યા હતા. એથી ખરાખરીનો જંગ જામ્યો. બંને પક્ષના સૈનિકો પણ આજે મેદાનમાં ઊતરી આવ્યા હતા. થોડી જ પળો પછી જ સૌને લાગવા માંડ્યું કે વિજયનો વાવટો ગુજરાત તરફ જ નમશે.
મંત્રીશ્વર વિમલ
૧૬૩