________________
જોતા જ સૌને ખ્યાલ આવ્યો કે, આ તો સંગ્રામનો સંદેશો આવ્યો લાગે છે ! હમીર સુમરાએ ગુજરાતના એ દૂતને એટલું જ કહ્યું કે, રાજ્યનો લોભ તો તારા રાજાને લાગ્યો છે, એથી જ તો છેક ગુજરાતમાંથી રખડતો રખડતો એ અહીં આવ્યો છે. અહીંથી સ્વર્ગના સામ્રાજય તરફ ટૂંકી કેડી જાય છે, ભીમદેવ ભલે અહીં આવે, હું એને જરૂર આ કેડીએ વળાવી આવીને એના લોભને સફળ બનાવવામાં સહાય કરીશ. તું દૂત છે, તને તો વધુ શું કહેવાનું હોય, તારા સ્વામીને તું કહેજે કે, આ સિંધુપતિએ કચ્છના કેસર સામે જે કેસરિયાં કર્યા, એનાથી ગુજરાત અજાણ લાગે છે અને એથી જ આમ વિચાર્યા વિના આવીને સિંધની સામે સંગ્રામનો પડકાર ફેંકવાની પાગલતા કરી છે. પણ સિંધ આ સંગ્રામને બધી રીતે પહોંચી વળવા તૈયાર છે. માટે તમે જીવવા માંગતા હો, તો સંધિ કરી લો. નહિ તો તમને સ્વર્ગે પહોંચાડવા સિંધને સંગ્રામ કર્યા વિના થોડું જ ચાલવાનું છે?
ગુજરાતના ગૌરવ સામેના આ અપમાનને ગળી જાય, એવો દૂબળો એ દૂત નહોતો. એણે કહ્યું : સિંધરાજ ! વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ લોકવાણીનો હું પૂરો શ્રદ્ધાળુ નહોતો, પણ આજે જ્યારે ગુજરાત તમારી પર દયા ગુજારીને તમને બચવાની તક આપવા ઉદાર બન્યું છે, ત્યારે પણ તમે આ રીતે સંગ્રામની જ હઠ પકડીને બેઠા છો, એથી મને હવે તો ચોક્કસ એ લોકવાણી સાચી જણાય છે કે, વિનાશ નજીક આવે છે, ત્યારે બુદ્ધિમાં વિપયંસ આવી જાય છે અને માણસ
જીવવા માટે મરણનો માર્ગ સ્વીકારવાની છેલ્લી હદ સુધીની પાગલતાનો ભોગ બની જાય છે. સિંધરાજ હું જાઉં છું, હવે તો ફરી પાછા યુદ્ધના મેદાનમાં જ મળીશું !
ગુર્જરેશ્વરની ધારણા મુજબનો સંદેશ લઈને દૂત ભીમદેવની છાવણીમાં આવે, એ પૂર્વે જ પ્રયાણની અને થોડાક જ દિવસો પછી ખેલાનારા જંગની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી હતી. એ દૂતનું આગમન થતાં સુધીમાં તો એ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો હતો,
૧૬૦ ૬ આબુ તીર્થોદ્ધારક