________________
કવિ ધનપાલે હસતાં હસતાં વાક્ય પૂર્ણ કર્યું કે, હું સૂરાચાર્યજીને ભગાડી ગયો એમ આપનું કહેવું છે. તો ચાલો, એમ માની લો !
ગુજરાતની સરહદમાં પહોંચ્યા બાદ દંડનાયક શ્રી વિમલની પ્રગટ અપ્રગટ દેખરેખ નીચે શ્રી સૂરાચાર્યજી પાટણ પહોંચી ગયાના પાકા સમાચાર ક્યારનાય આવી ગયા હતા, એથી કદાચ હવે રહસ્ય ખુલ્લું થાય તો કંઈ વાંધા જેવું નહોતું. એમાં વળી અનુકૂળ પળ મળી ગઈ, પછી કવિ ધનપાલ એ પળને વધાવ્યા વિના રહે ખરા ?
રાજા ભોજ પણ આજે મોજમાં હતા, એમણે કહ્યું : કવિ ! હું આક્ષેપ ક્યાં કરું છું ! શું આશંકા વ્યક્ત કરવાનો પણ મારો અધિકાર નહિ ! એ મુનિ નીકળ્યા આ પૂર્વે પણ અને પછી મોડેથી પણ તમારી હાજરીની સૈનિકોએ નોંધ લીધી છે.
‘મહારાજ ! સાચું કહી દઉં ! એકદમ સાચું ?' કવિએ બાળ રમત આદરી.
ભોજે કવિને કહ્યું : તમને શું મારાથી ભય છે કે, આટલું બધું તાણીને મારી ઉત્કંઠાને વધારો છો ?
ના, મહારાજ ! ના, અભયદાતા સમા આપની છત્રછાયામાં મને ભય વળી કેવો ? જ્યારથી આપની સેવા સ્વીકારી છે, ત્યારથી જ આપના ‘અભય વચન'નું કવચ દિવસ-રાત મને રક્ષી રહ્યું હોય, એમ મને લાગ્યા જ કરે છે. મહારાજ ! આપ જ અત્યારે સ્વસ્થતાથી વિચારો કે, જો એ દહાડે શ્રી સૂરાચાર્યજી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હોત, તો સર્વત્ર સ્વૈર-વિહાર માણતી આપની કીર્તિસુંદરીના કદમમાં પણ લોખંડી બેડી પડી જાત કે નહિ ? આપની કીર્તિ કલંકિત ન બને અને ગુર્જરાધિપતિ ભીમદેવ જેવા રાજવીને ભડકો કરવાની કોઈ ખોટી તક ન મળે, એ દૃષ્ટિએ પણ સૂરાચાર્યજીની સુરક્ષા જરૂરી નહોતી શું ?
મંત્રીશ્વર વિમલ
૧૫૧