________________
છે અને રાજા જેવા માણસોના થોડાક અપવાદને બાદ કરતાં સૌના માં પર એક પ્રભાવક જૈનાચાર્ય તરીકે આપનાં નામ-કામ રમી રહ્યાં છે. પણ આ જૈનશાસનનો વિજય આપની જાત માટે પરાજય કરતાંય વધુ પીડાદાયક બની રહેશે, એનું દુઃખ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી!
મહાકવિની આંખે ઝળઝળિયાં આવી ગયાં, એમનું ગળું રુંધાઈ ગયું. સૂરાચાર્યજીએ કહ્યું : કવિ ! તમારે આઘાત અનુભવવાનો હોય કે કર્તવ્ય અદા કર્યાની સંતોષાનુભૂતિ માણવાની હોય ! તમે આ પળે એક એવું સુરક્ષા-પુણ્ય ઉપાર્જી રહ્યા છો કે, ભવિષ્યમાં જે પુણ્યનો પ્રભાવ, શત્રુ સેનાથી ઘેરાઈ ગયેલા તમે એકલવાયા અને અસહાય હો, તોય તમારો વાળ પણ વાંકો થવા ન દે !
મહાકવિ અને સૂરાચાર્ય છૂટા પડ્યા. કારણ કે ધનપાલના માથે આશંકાનાં વાદળો ઘેરાય, એવી પૂરી સંભાવના હતી. એઓ બહાર એક લટાર મારી આવ્યા, તો જણાયું કે, આકાશ સાવ નિરભ્ર છે, વાદળના આગમનની કોઈ સંભાવના નથી ! એ નિરભ્રતાનો લાભ લઈને સૂરાચાર્યજી ગુજરાત ભણી ગુપ્ત રીતે ચાલી નીકળ્યા. પરંતુ થોડા દિવસો પછી નિરભ્ર એ આકાશમાં આશંકાનું વાદળ એકાએક ટપકી પડ્યું અને રાજા ભોજે કવિ ધનપાલને એકાંતમાં પૂછ્યું : કવિરાજ ! મને હજી એ શંકાનું સમાધાન થતું નથી કે, સૂરાચાર્યજી કેવી રીતે જતા રહ્યા ! મંત્રની વાત મનમાં બરાબર ઊતરતી નથી. જો આવી કોઈ શક્તિ એમની પાસે હોત, તો બંધનમાં બદ્ધ બનીનેય એઓ સૌની સમક્ષ ઉઘાડેછોગે મુક્ત બની શક્યા હોત ! ગુપ્તચરોની તપાસ હજી ચાલુ જ છે. એમાં એક એ કડી વિચારણીય જડી આવી છે. એ દહાડે જ્યારે સૈનિકોનો પહેરો ગોઠવાઈ ગયો, ત્યારે એક વૃદ્ધ અને મેલા ઘેલા મુનિ સિવાય બહાર કોઈ નીકળ્યું નહોતું અને એ મુનિનું નિર્ગમન તો તમારી સાથે સંકળાયેલું છે. સૈનિકોને અત્યારે હવે બરાબર યાદ આવે છે કે, એ મુનિ ઉપાશ્રયમાં પાછા ફર્યા નહોતા ! તો શું.
૧૫૦ આબુ તીર્થોદ્ધારક