________________
હોહા મચી ગઈ હતી અને વાતાવરણ તંગ બની રહ્યું હતું. પરિસ્થિતિ જાણી લઈને ધનપાલે કહ્યું : શું સૂરાચાર્યજી હજી ગોચરી-પાણી પતાવીને બહાર નથી આવ્યા ? ચાલો, હું એમને લઈ આવું. જયપત્ર મેળવવાના આવા અવસરનું મહત્ત્વ એમને સમજાવીને હું અબઘડી જ પાછો આવું છું. ધારાની ધારણાને ધૂળમાં થોડી જ મળવા દેવાય !
વાતાવરણ શાંત થઈ ગયું. સૈનિકોને સાથે રાખીને ધનપાલ ઉપાશ્રયમાં પ્રવેશ્યા, એમણે પૂછ્યું : શું સૂરાચાર્યજી હજી ગોચરી-પાણી કરી રહ્યા નથી ? ભોજ એમને ‘જયપત્ર' આપવા યાદ કરે છે અને એઓએ બપોરે આવવાનું આમંત્રણ સ્વીકાર્યું પણ છે. સંભવ છે કે, આ વાત એમનાથી ભુલાઈ ગઈ હોય ! બધા મુનિઓએ કહ્યું : આ સામેની ઓરડીમાંથી શ્રી સૂરાચાર્યજી હજી બહાર જ નીકળ્યા નથી ! બે કલાક થવા આવ્યા, દરવાજો પાછો અંદરથી બંધ છે, માટે અમે પણ ચિંતામાં પડ્યા છીએ.
સભામાં જવા તૈયાર થઈને બેઠેલા મુનિઓની આ વાત સાંભળીને ધનપાલે આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી કે, જયપત્ર સ્વીકારવાની આ ધન્ય પળે વળી આ શું ? શું ઓરડીનાં દ્વાર અંદરથી બંધ છે ?
ધનપાલે સૈનિકોને આદેશ આપ્યો કે, આ બારણા ઉપર ચડી જઈને અંદર તપાસ કરો. શ્રી સૂરાચાર્યજી શ્રમિત બનીને સૂઈ તો નથી ગયા ને ?
સૈનિક બારી ઉપર ચડ્યો, એણે ઉપરની એક નાની જાળીમાં થઈને અંદર ડોકિયું કર્યું અને એનાથી ચીસ પડી ગઈ : કવિજી ! દગો દગો, ભારે દગો ! અંદર શ્રી સૂરાચાર્યજીનો પડછાયો પણ નથી ! શું ધારાની ધારણા ધૂળમાં ઘમરોળાઈ જશે ?
આખા ઉપાશ્રયનું વાતાવરણ વળી પાછું ગંભીર અને તંગ બની ગયું. એ ઓરડીનું મુખ્યદ્વાર તો અંદરથી બંધ જ હતું, પણ બીજા એક દ્વારે બહારથી તાળું લટકતું હતું. એને ખોલાવીને સૌ અંદર પહોંચ્યા, તો કપૂરની ગોટીની જેમ અદ્દેશ્ય બનેલા શ્રી સૂરાચાર્યજીની કરામત પર
મંત્રીશ્વર વિમલ
૧૪૭