________________
મેલાંઘેલાં કપડાંમાં સજ્જ અને હાથમાં પાનીનો ઘડો લઈને બહાર નીકળવા તૈયાર થયેલા એ વૃદ્ધ મુનિએ શાંતિથી સમજાવતાં કહ્યું : ભાઈ ! રાજસભામાં તો શ્રી સૂરાચાર્યજી અને એમના જેવા વિદ્વાનો જ શોભે. અમારા જેવા ઠોઠ ત્યાં આવીને શું ઉકાળવાના હતા ! અહીં રહીશું, તો આ મુનિઓની સેવાભક્તિનો કંઈક લાભ લઈ શકીશું. માટે મને જવા દો, પાણી લાવવાનો સમય થઈ ગયો છે.
વૃદ્ધ મુનિની આ સીધી વાતને પણ સૈનિકોએ માન્ય ન રાખી, એઓ પોતાની જીદને છોડવા તૈયાર ન જ થયા, એટલામાં મહાકવિ ધનપાલ ઉપાશ્રયમાંથી બહાર જવા નીકળ્યા. વૃદ્ધ મુનિએ કવિને કહ્યું : આ તમારા સૈનિકોને સમજાવો, એ મને પાણી લેવા જવા દેતા નથી. રાજયસભામાં આવીને અમારા જેવા ઘરડા શું કરવાના હતા એ તો સૂરાચાર્યજી જેવા વિદ્વાનનું કામ ! આમ સમજાવ્યું, તોય માનતા નથી. તમે વચમાં પડશો, તો જરૂર માની જશે.
કવિ ધનપાલે સૈનિકોને કહ્યું : આ વૃદ્ધ મુનિને બહાર જવા દો ને ! રાજાજ્ઞાનો કંઈ આવો જક્કી અર્થ કરવાનો ન હોય ! શ્રી સૂરાચાર્યજી આહાર-પાણી કરીને તૈયાર થઈ જ રહ્યા છે.
સૈનિકોએ કવિના કથનને માન્ય રાખ્યું. કવિએ મુનિને કહ્યું : મહારાજ ! આજે મારા ઘરે વહોરવા પધારો, હું આપની સાથે સાથે આવું, જેથી કોઈ સૈનિક આગળ જતાં ફરી વાર આપને રોકે નહિ !
ને એ વૃદ્ધ મુનિની સાથે સાથે ધનપાલ પોતાના ઘરે પહોંચ્યો. અંદરના ઓરડામાં એ વૃદ્ધ મુનિને લઈ જઈને પછી ધનપાલે કહ્યું : શ્રી સૂરાચાર્યજી ! અડધો જંગ જિતાઈ ગયો છે, ધારાની ધારણા હવે ધૂળમાં મળી ગઈ છે. આપ મારી આ ભૂમિગૃહમાં પધારો. હવે કોઈની તાકાત નથી કે, આપનો વાળ પણ કોઈ વાંકો કરી શકે !
ધનપાલના દિગ્ગદર્શન મુજબ વૃદ્ધ મુનિના વાઘા સજનારા શ્રી સૂરાચાર્યજી ભૂમિગૃહમાં ઊંડા ઊતરી ગયા અને “જયપત્ર'ના નાટકમાં ભાગ લેવા ધનપાલ ઉપાશ્રયના દ્વારે જઈ પહોંચ્યા. ત્યાં તો
૧૪૨ ૬ આબુ તીર્થોદ્ધારક