________________
લીધા વિના એ એકલી જ ઘૂમે છે, પંખીઓ પણ ન પહોંચી શકે, એવા ગગનચુંબી પહાડો પર એ એકલી જ ચડી જાય છે, અરે ! આથીય આગળ વધીને સર્પોના સમુદાયથી ભીષણ એવા પાતાલલોકમાં પણ એ એકલી જ નિર્ભયતાથી હરેફરે છે. એથી મને લાગે છે કે, સ્ત્રી જાતિમાં ભયની જે બહુલતા પ્રસિદ્ધ છે, એ સાવ ખોટી છે, જો આમ ન હોય, તો આ કીર્તિસુંદરી આ રીતે નિર્ભયતાથી અપૂર્વ સાહસ સાથે બધે ઘૂમી શકે ખરી ?
વિદ્વત્તાના વિલાસનો આ તો હજી પહેલો જ ચમકારો હતો, પણ એના તેજથી ભોજ રાજા અંજાઈને આભા જ બની ગયા. ત્યારબાદ પ્રાસંગિક ઉપદેશ પછી સભા વિખરાઈ. ધનપાલ કવિના આનંદનો પાર ન રહ્યો. ધાર્યા કરતાંય વધુ વિદ્વત્તાના તેજનું અપૂર્વ આભામંડળ શ્રી સૂરાચાર્યજીની આસપાસ રચાયેલું જોઈને એમના આનંદનો પાર ન રહ્યો. ધારાનગરીમાં ચોરે અને ચૌટે ગુજરાતથી આવેલા આ વિદ્વાન જૈનાચાર્યની જ ગૌરવ-ગાથાઓ ગવાવા માંડી. વિદ્વાનોને એથી વધુ પોરસ ચડ્યું. પણ જેના બંને પડખે સ્યાદ્વાદ-સિદ્ધાંતનું અને વાગીશ્વરી શ્રી સરસ્વતી દેવીનું કૃપા-બળ હાજરાહજૂર હોય, એવા શ્રી સૂરાચાર્યજીને કોણ જીતી શકે ? થોડા દિવસોમાં તો રાજા ભોજથી માંડીને ધારાના ગાંગાતેલીનેય એ વાતની ખાતરી થઈ ગઈ કે, બૃહસ્પતિ અને સરસ્વતી હજી જિતાય, પણ આ જૈનાચાર્યને તો કોઈ જીતી શકે નહિ !
થોડા વધુ દિવસો વીત્યા બાદ એક વાર રાજા ભોજે ભરી સભામાં સૂરાચાર્યજીને કહ્યું કે, મહારાજ ! આ ષદર્શનો અલગ અલગ ચોકો જમાવીને બેઠાં છે, એથી બિચારા ભોળા જીવો મૂંઝાઈ જાય છે, માટે આપને હું વિનંતી કરું છું કે, બધાને ભેગા કરી બતાવો, તો માનું કે આપને મળેલી બુદ્ધિ પ્રમાણ છે !
સૌની ઉત્કંઠા વધી ગઈ. આ પ્રશ્નનો શો જવાબ હશે ? ત્યાં તો વળતી જ પળે શ્રી સૂરાચાર્યજીએ કહ્યું ઃ રાજન્ ! આ ધારાનગરીમાં ચોરાશી ચૌટા છે, એને પહેલાં આપ એક સ્થાને ભેગા કરી બતાવો, પછી હું ષડ્દર્શનને ભેગા કરવાનો પ્રયાસ કરીશ.
મંત્રીશ્વર વિમલ
૧૩૯