________________
અને નગરશેઠ શ્રીદત્ત આદિનું આગમન થયું. એમના મોં પર હાસ્ય હતું. ઉપાશ્રયમાં છવાયેલા ગંભીર વાતાવરણને એકાએક પલટો આપતી ખુશાલી વ્યક્ત કરતાં એમણે કહ્યું :
“રાજા ભોજ શ્રી સૂરાચાર્યજીનાં દર્શન કરવા ઝંખી રહ્યા છે, એથી ભોજનો નિમંત્રણ-પત્ર મહારાજ ભીમદેવ પર આવ્યો છે કે, ગુજરાતના ગૌરવની ગાયક કથાના એ સર્જક વિદ્વાનને વહેલી તકે અવંતિમાં મોકલવા ઘટતું કરશો. આવા વિદ્વાનને આવકારતાં અમારી પંડિત-સભા જરૂર ગૌરવ અનુભવશે. માટે આ ગાથાના સર્જક જે કોઈ વિદ્વાન હોય, એ વિદ્વાનને મારું આ નિમંત્રણ પહોંચતું કરીને આભારી કરશો.’’
આગમનની ભૂમિકા ટૂંકમાં રજૂ કરીને દંડનાયકે રાજા ભોજનું એ આમંત્રણ શ્રી ગોવિંદસૂરિજીના હાથમાં મૂક્યું. એના વાંચનથી એમનું રોમેરોમ નાચી ઊઠ્યું. આટલા બધા પ્રગટ હર્ષનું કારણ સમજાવતાં એમણે સૌની સમક્ષ આજની જ તાજી ઘટના અને પળ પહેલાં જ શ્રી સૂરાચાર્યજીએ સ્વીકારેલી પ્રતિજ્ઞાની વાત કહી બતાવી.
‘જૈનં જયતિ શાસનમ્’ નો નાદ ગજવતાં સૌ બોલી ઊઠ્યા કે, આ પ્રતિજ્ઞાનું ભાવિ ભવ્ય હશે, એટલે જ કાર્ય-કારણના આ બધા અંકોડાઓ આજે અણધાર્યા જોડાઈ જવા પામ્યા છે. માટે આપ અનુજ્ઞા ફરમાવો, એથી રાજા ભીમદેવ આ આમંત્રણની સ્વીકૃતિની ખુશાલીના સમાચાર અવંતિ પાઠવી શકે !
આગળ-પાછળનો દીર્ઘ વિચાર કરીને શ્રી ગોવિંદસૂરિજીએ અવંતિનું એ આમંત્રણ સ્વીકારવા સંમતિ આપી. રાજા ભોજ વિદ્વાન હોવા છતાં ગુર્જર રાષ્ટ્રના પાકા વિરોધી હોવાથી જે કોઈ વિકટ પરિસ્થિતિઓ પેદા થવાની શક્યતા હતી, એ તરફ સૌનું ધ્યાન શ્રી ગોવિંદસૂરિજીએ કેન્દ્રિત કર્યું. કારણ કે પોતાના શિષ્યોની અવિજેય વિદ્વત્તા પર એમને પૂરેપૂરો વિશ્વાસ હતો.
૧૩૬
આબુ તીર્થોદ્ધારક