________________
ભીમદેવની માતાનું નામ લક્ષ્મીદેવી હતું. લક્ષ્મીદેવીનો ભાઈ સંગ્રામસિંહ જૈન ધર્માનુરાગી હતો. એના મોટા ભાઈ સંયમી બનીને શ્રી દ્રોણાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. સંગ્રામસિંહનું સ્થાન એક સફળ સેનાપતિ તરીકે રાજવી ભીમદેવની રાજ્યસભામાં અગ્રગણ્ય હતું. સંગ્રામસિંહના પુત્ર મહીપાલે પણ સંયમ સ્વીકાર્યું હતું. અને એઓ શ્રી દ્રોણાચાર્યના ઉદ્ભટ-વિદ્વાન શિષ્ય તરીકે શ્રી સૂરાચાર્યના નામે ખૂબ જ પ્રસિદ્ધ હતા. આમ, શ્રી ભીમદેવના મામા અને મામાઈ ભાઈ તરીકે પણ શ્રી દ્રોણાચાર્ય તથા શ્રી સૂરાચાર્યનું નામ ગુજરાતમાં પ્રસિદ્ધિ પામે, એમાં નવાઈ નહોતી, એમાં વળી એઓને પ્રકાંડ પાંડિત્ય વર્યું હતું, એથી એ પ્રસિદ્ધિને વધુ સમૃદ્ધિ વરે, એ સહજ હતું.
શ્રી દ્રોણાચાર્યના ગુરુ શ્રી ગોવિંદસૂરિજી પણ વિશિષ્ટ વિદ્વાન હતા. એમની નિશ્રામાં પાટણના એ જૈન ઉપાશ્રયમાં અનેક વિદ્વાનો તૈયાર થતા હતા, એમનું અધ્યયન કાર્ય મુખ્યત્વે શ્રી સૂરાચાર્ય કરતા હતા. આ બધા ‘ચૈત્યવાસ' ની પરંપરામાં પેદા થયેલા વિદ્વાનો હતા.
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીનો કાળ પણ આ જ હતો. એટલું જ નહિ, એમણે આગમ-ગ્રંથો પર જે નવાંગી ટીકા રચી હતી, એના સંશોધનાદિ કાર્યમાં પ્રમુખ સહાયક શ્રી દ્રોણાચાર્ય રહ્યા હતા. શ્રી દ્રોણાચાર્યે પિંડનિર્યુક્તિ આદિ ટીકા-ગ્રંથોનું નિર્માણ કરીને, પોતે ચૈત્યવાસી હોવા છતાં સિદ્ધાંત-નિષ્ઠાને ઊની આંચ આવવા દીધી નહોતી.
શ્રી સૂરાચાર્યની નિશ્રામાં અનેક વિદ્વાનો તૈયાર થઈ રહ્યા હતા. એમની અધ્યયન કરાવવાની શૈલી એટલી બધી સુગમ હતી કે, ગમે તેવો કઠિન વિષય પણ એમની વિવેચન-શૈલી આગળ સાવ સહેલો બની જતો. એમનો સ્વભાવ જરા ઉગ્ર હતો, એથી ભણનારા શિષ્યો એમનાંથી થરથરતા, પણ આનું સુપરિણામ એ આવતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં તલ્લીન થઈને પાઠ આદિ બરાબર કરી આવતા અને એથી થોડા જ સમયમાં તૈયાર થઈ જતા.
મંત્રીશ્વર વિમલ
૧૩૩