________________
કામાંધ બનીને એણે મૃણાલવતીની આગળ બધો ભેદ ખોલી નાખીને જાણે પોતાના કમોતને જ નોતર્યું ! મૃણાલવતીએ સ્ત્રી-સુલભ માયાના દાવ નાખતાં કહ્યું : મુંજ ! તમને છોડવા હું તૈયાર નથી, ભલે આ જન્મભૂમિ છોડવી પડે. પણ થોડી વાર થોભો. હું અલંકારોનો મારો એક દાબડો લઈ આવું.
કામાંધ મુંજ ભાન ભૂલ્યો, એણે થોડો એ વિલંબ સ્વીકારી લીધો. મૃણાલવતી સીધી જ પોતાના ભાઈ તૈલપદેવ પાસે પહોંચી ગઈ, એણે રહસ્યનો ભાંડો ફોડતાં કહ્યું : શું આમ જંપીને બેઠા છો ! મુંજ ભાગી છૂટવા તૈયાર થયો છે, મુક્તિનો માર્ગ તૈયાર થઈ ગયો છે. માટે દોડો અને મુંજને પકડી પાડો !
તૈલપદેવની સેના છૂટી અને મુંજના બધા મનોરથ માટીમાં મળી ગયા. એની પર તૈલપદેવની આંખ વધુ તરડાઈ. એમણે હુકમ કર્યો : મુંજ ! મારી સામે માયા ! હવે તું નહિ છટકી શકે ! તારી પરનાં બંધનો હવે મજબૂત બનશે ને શેરીએ, ઘરે ઘરે તારી આબરૂના લીરેલીરા ઊડે, એ માટે હાથમાં ચપ્પણિયું પકડાવીને તને ભીખ મંગાવીશ, ત્યારે જ મને શાંતિ મળશે. તે છટકવા છટકું ગોઠવ્યું, એથી સાત દિવસ તને ભૂખ્યો મારીશ અને પછી ભીખ મંગાવીશ.
પોતાના ભાઈ સિંધુલને એક વાર કેદ કરનાર મુંજને હવે ધોળે દહાડે તારા દેખાવા માંડ્યા, એ વિચારી રહ્યો કે, મારું પાપ જ મને નડ્યું ! એમાં વળી વધારામાં હું કામાંધ બન્યો, એથી પાપનો એ સાપ હવે સાતફણો બનીને મને ડંખવા આવ્યો છે ! હાય ! જો મેં સિંધુલને કેદ ન કર્યો હોત, અને ભોજની સમક્ષ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો હોત, તો મારે આ દુ:ખના દહાડા જોવાનો વખત આવત ખરો? - સાત દિવસના ઉપવાસ પછી હાડપિંજરમાં પલટાઈ ગયેલા મુંજની ફજેતીના ફાળકા થવા શરૂ થયા. ચારે તરફ ખુલ્લી સમશેરો સાથે ઘેરાયેલો મુંજ હાથમાં ચપ્પણિયું લઈને ઘરે ઘરે ભીખ માટે આજીજી
૧૨૮ ૯૬ આબુ તીર્થોદ્ધારક