________________
‘વિધાતાએ ભીમનું નિર્માણ અંધકના સંતાનોના સંહાર માટે જ કર્યું છે. જે ભીમે રમત રમતમાં સો અંધકોને યમના મંદિરે પહોંચતા કર્યા, એ ભીમ માટે એક અંધકનો સંહાર કરવો, એ તો કઈ મોટી વાત ગણાય ?’
ભીમદેવ સહિત આખી મંત્રણાસભાએ શ્રી સૂરાચાર્યજીના કટાક્ષ અને કૌવતથી ભરપૂર કાળજાવેધી આ જવાબને એકી સાથે વધાવી લીધો. દામોદર મહેતા જેવા પણ આવી વિદ્વત્તા અને આશુ-કવિતા પર એક વાર તો આફરીન થઈને એ શ્રી સૂરાચાર્યજીને સન્માનની નજરે જોઈ રહ્યા.
આ જવાબમાં જેવી વેધકતા હતી, એવી જ વિદ્વત્તા હતી. અંધક શબ્દનો પ્રયોગ આમાં ખૂબ જ બંધબેસતો હતો. મહાભારતકાલીન ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ‘અંધક' વિશેષણને એ યોગ્ય હતો, ત્યારે ભીમે પણ અંધકના સો પુત્રોને ખતમ કરી નાંખ્યા હતા. અવંતિપતિ ભોજ પણ અંધક પુત્રના વિશેષણને યોગ્ય હતો, કારણ કે એના પિતા સિંધુલ પણ અંધ હતા. આમ ‘અંધ’ શબ્દ દ્વારા રજૂ થયેલા શ્લોકથી આ કવિતાના શબ્દેશબ્દમાં બાણની વેધકતા, તલવારની તીક્ષ્ણતા અને મર્મ પર ચોંટ પહોંચાડતા કોઈ શસ્ત્ર જેવી માર્મિકતા ખળભળી રહી હતી.
એ મંત્રણા-સભા વિસર્જિત થઈ. સૌના મોઢામાં શ્રી સૂરાચાર્યજી જેવા વિદ્વાનોને જન્મ આપનાર જૈનશાસન ઝળકી રહ્યું હતું. આ શ્લોક એક દહાડો અવંતિપતિ ભોજની સભામાં પહોંચ્યો. એ શ્લોકે અવંતિની એ સભાના રોમરોમને સળગાવી મૂક્યા. પણ ભોજરાજની વિદ્વત્તાએ લીધેલો વિચારવળાંક તો કોઈ અજબ-ગજબનો હતો !
મંત્રીશ્વર વિમલ
૧૨૧