________________
જ છે, એથી અજુગતી અને અપ્રાસંગિક આ વાતને બાજુ પર મૂકીને આપણે મૂળ મુદ્દા પર આવીએ. બોલો, આનો જવાંમર્દીભર્યો જવાબ કોણ કોણ તૈયાર કરી-કરાવી શકે એમ છે?
આ પ્રશ્નનો જવાબ ગોતવા સૌ એકબીજાનાં મોં જોઈ રહ્યા. થોડી પળો સુધી છવાઈ રહેલા મૌનનો પડદો ઊંચકતાં દંડનાયક વિમલે કહ્યું : મહારાજ ! સૌને કાલ સવાર સુધીની મુદત આપવામાં આવે તો સારું પાટણમાં વિદ્વાન જૈનાચાર્યો અને પંડિતો સિવાય બીજો પણ મોટો વિદ્વદ્વર્ગ છે. એથી ભોજનું માથું ભાંગી નાખે, એવો જવાબ તૈયાર કરવા માટે આટલી મુદત તો ઘણી થઈ પડશે !
આ વાત સૌએ સ્વીકારી લીધી અને મંત્રણાસભા વિસર્જિત થઈ. પાટણના પંડિત વર્ગમાં જાણે યુદ્ધ જેવી ઉત્તેજના આવી ગઈ. કોઈ શબ્દના શરસંધાન કરવા માંડ્યું. કોઈ અનુપ્રાશના આટાપાટા ખેલી રહ્યું, તો કોઈ સાહિત્યના વીરરસને શબ્દોમાં ઢાળવા મથી રહ્યું.
બીજા દિવસની મંત્રણા-સભા સમય કરતાં વહેલી મળી, કારણ કે શાબ્દિક યુદ્ધમાં કોણ વિજયી બને છે એ જાણવાની તાલાવેલીમાં સૌએ માંડ માંડ આટલો સમય પણ પસાર કર્યો હતો. એક પછી એક ગાથાઓ રજૂ થવા માંડી અને વિજય-પરાજય તેમજ આશા-નિરાશાની એ પતંગ-રમત વધુ ને વધુ રસાકસી ભણી ઝડપથી આગળ વધવા માંડી. ભીમદેવ સૌને સાંભળી રહ્યા ! પરંતુ જેના શ્રવણે કાન અને કાળજુ હસી ઊઠે, એવી એક પણ રચના સાંભળવા ન મળતાં અંતે ભીમદેવે કંઈક ઉદાસ બનીને નિર્ણય જાહેર કરતાં કહ્યું : જેને સાંભળવા માત્રથી ભોજ સળગી ઊઠે, એવી આગ કોઈ કાવ્યમાં મને તો જણાતી નથી ! શું પાટણમાં પંડિતો ખૂટી ગયા છે કે વીરરસનો કૂવો સુકાઈ ગયો છે? દંડનાયક વિમલ ! તમે જ કહો કે, લડાઈમાં બુદ્ધાં બાણ ન ચાલે, એમ આ લખોટામાં આવી હાડપિંજર જેવી પ્રાણ વિનાની શબ્દરચના શોભે ખરી ?
૧૧૮ ૬. આબુ તીર્થોદ્ધારક