________________
નહોતી, પણ આવી શાંત પરિસ્થિતિમાં એ કાળે કરાર-ભંગ કરવાની પૂર્વભૂમિકા સર્જવા માટે દૂતો દ્વારા એવી સંસ્કૃત ગાથાઓ મોકલવામાં આવતી, જેમાં સામી સત્તા તરફ કટાક્ષો કરાયા હોય ! આવા કટાક્ષબાણો છોડવા દ્વારા શત્રુપક્ષની સભાનું પાંડિત્ય તેમજ પરાક્રમના પાણીનું માપ કાઢી લેવાનો પણ પ્રયાસ સિદ્ધ થતો !
મંત્રણાસભાની ગંભીર શરૂઆત કરતાં દંડનાયક વિમલે કહ્યું : અવંતિપતિ ભોજ તરફથી એક દૂત આવ્યો છે, એની સાથે ભોજરાજાએ એક ગાથા પાઠવી છે, ગુર્જરપતિ ભીમદેવ તરફનું અપમાન એના શબ્દ શબ્દમાંથી ધ્વનિત થાય છે. આ શ્લોક કઈ પરિસ્થિતિ સરજવા પાઠવવામાં આવ્યો છે, એ તો સૌ કોઈ સમજી શકે એમ છે. અત્યારના સુલેહ-સંધિના શાંત સરોવરને ડહોળવા શિલાના ઘા રૂપે આવી પડેલો આ શ્લોક ગુર્જર રાષ્ટ્ર માટે જે આહાન કરવા માંગે છે, એનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી. અત્યારે તો આ શ્લોકના જવાબ રૂપે જે પ્રતિ-શ્લોક પાઠવવાનો છે, એ અંગે વિચારવા જ આપણે સૌ ગુર્જરપતિની અધ્યક્ષતામાં એકઠા થયા છીએ.
વિમલે ટૂંકમાં પણ સંપૂર્ણ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. દામોદર મહેતા આવા અવસરે મૌન રહે ખરા ? એમણે કહ્યું : ભોજનો એ શ્લોક શું કહેવા માંગે છે, એની સૌને પહેલાં જાણ થવી જરૂરી છે, જેથી એનો સણસણતો જવાબ વાળી શકાય.
વળતી જ પળે દંડનાયકે એક લખોટો ખોલ્યો અને એમાંનો સૂતેલા સિંહને જગાડવા જેવો એક શ્લોક સંભળાવવા માંડ્યો :
“ઐરાવણ જેવા હાથીઓની ઘટાના કુંભસ્થળ જેણે પોતાના પંજાથી ક્ષણમાત્રમાં ચીરી નાખ્યા છે, એવા સિંહરાજને માટે હરણિયાઓ સાથે સંધિ પણ શોભતી નથી, સંગ્રામ પણ શોભતો નથી. કારણ કે સંધિ અને સંગ્રામ : આ બંને પણ સરખેસરખા બળિયા વચ્ચે જો હોય, તો જ શોભે છે !'
૧૧૬ ૬ આબુ તીર્થોદ્ધારક