________________
દંડનાયક વિમલની કુશાગ્ર બુદ્ધિને પાટણમાં આવતાંની સાથે જ પરિસ્થિતિનું પર્યાવલોકન કરી લઈને તારણ કાઢી લીધું હતું. તાપણું કરવા બેસતી વખતે જો અગ્નિથી બહુ દૂર જતા રહીએ, તો ટાઢને ઉડાડતી ઉષ્મા ન મળે, જો બહુ નજીક બેસીએ, તો એ અગ્નિ ક્યારેક ભરખી ગયા વિના ન રહે ! તાપણાથી બહુ દૂર પણ ન રહેવાય અને બહુ નજીક પણ ન જવાય ! બરાબર આ જ રીતે દુર્જનો સાથે વર્તવું પડતું હોય છે.
મંત્રી નેઢે કહ્યું : આપણો પુણ્યપ્રતાપ જેમ વધતો રહે છે, એમ આપણા વિરોધીઓના અંતરમાં અસૂયાનો અંધકાર વધુ ને વધુ ફેલાતો જાય છે, બરાબર ઘુવડ જેવી એમની દશા છે. એથી આપણો તેજોવધ કરવાના પ્રયાસોમાં એ જેમ જેમ પાછા પડતા જાય છે, એમ એમ હાર્યા જુગારીની જેમ બમણા દાવ નાખીને બગડેલી બાજીને સાજી બનાવી લેવાની એમની ધુતારી મનોદશા વધુ સક્રિય બનતી જાય છે. પણ રાજવી ભીમદેવનો સાથ ન મળતાં, એ સક્રિયતા ઉપરથી ઊલટું પરિણામ આણવામાં નિમિત્ત બની જાય છે અને આપણા પુણ્યપ્રતાપનો ફેલાવો વિસ્તાર પામતો જાય છે.
દંડનાયક વિમલે ટૂંકો જવાબ વાળતાં કહ્યું કે, માટે જ ઈર્ષાથી અળગા રહેવાનો ઉપદેશ અપાય છે : આ એક એવો વિચિત્ર અગ્નિ છે કે, જે પેટાયા પછી લગભગ બુઝાતો જ નથી અને પોતાના આધારને હંમેશાં બાળ્યા કરે છે. સામાની સંપત્તિ આ અગ્નિને વધારવા ઘી બની જાય છે, અને સામા પર ત્રાટકતી વિપત્તિ પણ પાણી બનીને એ આગને ઠારી શકતી નથી. ત્યારે એ એમ જ વિચારે છે કે, વિપત્તિનું આ પ્રમાણ વધે તો સારું !
જૈન તીર્થ તરીકે આબુને જ્વલંતતા આપવા અંગેની થોડીઘણી વિચારણા કરીને મંત્રીશ્વર ને દંડનાયક છૂટા પડ્યા, કારણ કે મધ્યાહ્નની જિનપૂજાના સમયસૂચક ડંકા વાગી ચૂક્યા હતા !
મંત્રીશ્વર વિમલ
૧૧૩