________________
મહમંત્રી નેઢના માથે તો વિશિષ્ટ જવાબદારીઓ હતી, એથી એઓ સંઘયાત્રામાં સામેલ નહોતા થઈ શક્યા. આ કારણે એક દિવસ એકાંત મેળવીને દંડનાયક વિમલે શક્તિ-ત્રિવેણીના અવતરણ સુધીની તમામ વિગત રજૂ કરીને કહ્યું : વડીલબંધુ ! આમ આપણાં ભાગ્ય બંને રીતે અણધાર્યા અને એકસાથે ખૂલી ગયાં છે. એથી આપણા સૌની જવાબદારી પણ હવે વધી જાય છે, મારી ભાવના તો હવે વહેલી તકે આબુની ગોદમાં પહોંચી જઈને તીર્થોદ્ધારના વિરાટ કાર્યના શ્રી ગણેશ કરવાના છે. પણ અહીં આવ્યા બાદ અહીંની જે પરિસ્થિતિનું મેં પર્યાવલોકન કર્યું, એની પરથી એમ લાગે છે કે, આ કાર્યારંભનો કાળ હજી પાક્યો નથી !
“એટલે ?” મહામંત્રી નેઢના આ સાશ્ચર્ય પ્રશ્નનો જવાબ વાળતાં દંડનાયક કવિ વિમલે કહ્યું : ગુર્જર રાષ્ટ્ર અત્યારે જે ઝડપથી વિકાસની અને વિખ્યાતિની વાટે હરણફાળ ભરી રહ્યું છે, એના પ્રત્યાઘાત રૂપે ઘણાં ઘણાં રાષ્ટ્રો આપણી સામે યુદ્ધ જાહેર કરવાના બ્હો ઘડી રહ્યાં છે, કદાચ એવું પણ થાય કે, એકી સાથે ચારે સીમાડા સંગ્રામ જાહેર કરવા દ્વારા ગુજરાતને મૂંઝવી મારીને, આપણી હિંમત હારી લેવાનો પણ ભૂહ ગોઠવે ! આમાંય સૌથી મોટો ભય તો માલવ મંડલનો છે. માલવા કઈ ઘડીએ પોતાના સંગ્રામની સુરંગનું મોં ગુજરાત તરફ ફેરવે, એ કહેવું મુશ્કેલ છે. અને રાજા ભીમદેવ તો હજીય પોતાના કાકા અને પિતાનું થયેલું અપમાન ભૂલી શક્યા નથી. કાશીની યાત્રા કાજે માલવામાં થઈને આગળ વધતાં શ્રી દુર્લભરાજ અને શ્રી નાગરાજના માર્ગમાં માલવપતિ મુંજે અપમાનમૂલક જે અવરોધ ઊભો કર્યો હતો, એની સ્મૃતિ થતાં આજે પણ ભીમરાજનું હૈયું એ વેરની વસૂલાત લેવા બળવો પોકારી ઊઠે છે. એથી માલવા જો ગુજરાતને લડાઈ માટે લલકારે, તો મને ચોક્કસ ખાતરી છે કે, ભીમદેવ પળનોય વિલંબ કર્યા વિના તોફાની સાગરની ભરતી જેવી ગતિથી માલવને ઘેરી લે.
૧૧૨ આબુ તીર્થોદ્ધારક