________________
દંડનાયક વિમલની પ્રતીક્ષામાં એમનો અંગત પરિવાર ત્રણ ત્રણ દિવસથી ખડે પગે ઊભો હતો. ત્રીજા દિવસની આ મધરાતે તો એમને ખાતરી જ હતી કે, સિદ્ધિની વરમાળા પહેરીને દંડનાયક આવવા જ જોઈએ ! પ્રતીક્ષા પછીની પ્રાપ્તિ કેટલી પ્રસન્નતાદાયક હોય છે, આની અનુભૂતિ કરતા સૌ એકઠા થયા, ત્યારે આજે પહેલી જ વાર દંડનાયકે પોતાની સાધનાની પૃષ્ઠભૂમિ ખુલ્લી કરી. શ્રીદેવી આદિ પરિવારે દંડનાયકની ભાવનાને વધાવતાં કહ્યું કે, આપણે ખરેખરાં ભાગ્યશાળી કે, આપણી લક્ષ્મી આબુની ગિરિટોચે રાત-દિવસ ખુલ્લી પડી રહેશે, અને દેવાલયોના રૂપમાં પરિવર્તન પામીને પ્રેક્ષકોને લક્ષ્મી છોડવાનું પ્રેરણાગાન, જેનો સીમાડો આંકી જ ન શકાય, એટલા સમય સુધી એ લલકારતી જ રહેશે.
આરાસણનો ત્યાગ કરતી વખતે બીજા દિવસની પ્રભાતે પોતાના મનની મંજુષામાં ભાવનાના ભાતીગળ રત્નાલંકારો લઈને દંડનાયક વિમલ યાત્રિકો સાથે પાટણની દિશા તરફ આગળ વધી ગયા. દિવસો વીતવા માંડ્યા, એમ પાટણ નજીક આવવા માંડ્યું ! અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો કે, જયારે પાટણના દરવાજે દંડનાયક વિમલ આવી ઊભા, ત્યારે એમને સત્કારવા ખુદ ભીમદેવ હાજર હતા અને એમના પગલે પગલે પાટણનો માનવ-મહેરામણ વિમલને વધાવવા આવી રહ્યો હતો !
૧૧૦
આબુ તીર્થોદ્ધારક