________________
વિમલના ભિક્ષાપાત્રને ભક્તિ સિવાય કોની ભૂખ હોય ? ત્યાં કદી ભિખારીવેડા જોવા મળે ખરા ? લંબાયેલા એ ભિક્ષાપાત્રને જોઈને ચક્રેશ્વરીએ કહ્યું : વિમલ ! આબુને તીર્થ બનાવવાનું તારું સ્વપ્ન સાકાર થાય, એમાં વગર કહ્યે મદદ કરવાની ભક્તિ શું અમારામાં નહિ હોય ! માટે આ સિવાય બીજું કઈ માગ.
વિમલનો જવાબ એ જ હતો : મા ચક્રેશ્વરી ! ચિંતામણિ મળી જાય, પછી માંગવાનું બીજું શું બાકી રહે ! મારી મનોકામના આ જ છે.
ચક્રેશ્વરીએ કહ્યું : માગણને બિંદુ જેટલું આપવામાંય થકાવટ અનુભવાતી હોય છે અને નિસ્પૃહના આંગણે સંપત્તિના સિંધુ ઠાલવ્યા પછી પણ એવો અનુભવ થતો હોય છે કે, આપી આપીને મેં હજી આટલું જ આપ્યું ! વિમલ ! તું નિસ્પૃહ જ રહેવા માગતો હોય, તો મારી પ્રસન્નતા તારા લક્ષ્મીભંડારો પર એવો હાથ ફેરવી જાય છે કે, એ કદી ખૂટશે જ નિહ ! જેમ એમાંથી વપરાશ વધશે, એમ એમાં આવક વધશે ! મારું તને વરદાન છે.
વિમલે ઊભા થઈને ચક્રેશ્વરીદેવીના ચરણ પકડી લીધા. થોડી પળો બાદ એ જ્યારે ઊભા થયા અને એમની દૃષ્ટિ ખૂલી, ત્યારે આસપાસ જે આભામંડળ રચાયું હતું, એને વર્ણવવા એમની પાસે વાણી નહોતી, એને આલેખવા એમની પાસે અક્ષરો નહોતા અને એને ચિત્રાંકિત કરવા એમની પાસે રંગો નહોતા.
આબુ ઉપર જે સ્વપ્નસૃષ્ટિનું અવતરણ કરાવવાની ભાવનાની ભાગીરથી હેલે ચડી હતી, એની પૂરી પૂર્વભૂમિકા રચાઈ ગયાના સંતોષ સાથે દંડનાયક વિમલ જ્યારે આ સાધનાભૂમિમાંથી ઊભા થયા, ત્યારે મધરાત મંદ મંદ ગતિએ આગળ વધી રહી હતી. આ સિદ્ધિને વધાવવા ત્યારે જાણે આકાશી સુંદરી તારલાઓથી ભરેલા થાળને લઈને, અને ચંદ્રનો કળશ હાથમાં રાખીને પ્રકાશનો અભિષેક કરવા થનગની રહી હતી.
મંત્રીશ્વર વિમલ
૧૦૯