________________
કંઈ વિચાર કરે, ત્યાં તો ઝાંઝણના ઝણકારા જેવા ૨વથી વાતાવરણમાં સ્વરમાધુરી બિછાવતો રણકાર સંભળાયો : વિમલ ! હું પદ્માવતી છું અને તારી પર આજે પ્રસન્ન થઈ છું. બોલ, તારી ઇચ્છા શી છે ? માંગવામાં તને દેર થશે, પણ આપતાં હું દેર નહિ કરું !
દંડનાયક વિમલના આશ્ચર્યનો તેમજ આનંદનો પાર ન રહ્યો. એઓ બોલ્યા : અર્બુદાચલને નાના પાયા પર વિમલાચલ જેવી કીર્તિનું પુનર્દાન કરવાના મારા મનોરથો છે. આ મનોરથમાં ગતિ પૂરવા માટે આપના આશીર્વાદના અજોડ અશ્વો મેળવવા મેં આ સાધના આરંભી છે.
પદ્માવતી દેવીએ કહ્યું : આ કાર્ય કાંઈ તારા એકલાનું જ નથી. આ પુણ્યકાર્ય તો અમારું પણ છે. અર્બુદાચલને તું જ્યારે વિમલાચલ બનાવવા કટિબદ્ધ બનીશ, ત્યારે અમે તારી સહાયમાં જ હોઈશું. માટે તું એવું કંઈક માગ કે, જેમાં તારો લાભ સમાયેલો હોય !
વિમલે નમ્રતાથી કહ્યું : મા પદ્માવતી ! અત્યારે મારી નજર લાભ તરીકે આ જ મનોરથોને નિહાળી શકે છે. બીજો કોઈ લાભ આ નજરને દેખાતો જ નથી. અને આમાં તો આપ સહાયક થવાનાં જ છો, પછી મારે બીજું શું માગવાનું બાકી રહે ?
પદ્માવતીએ કહ્યું : વિમલ ! જે ત્યાગે એને આગે ! આ કહેવત સાંભળી છે ? દેવદર્શન અમોઘ હોય છે. એથી હું તારા કાંડામાં અને કાળજામાં એવા બળ-કળનો અનુપાત કરું છું કે, તને કોઈ કદી જીતી નહિ શકે અને તું જ્યાં જઈશ, ત્યાં જીત મેળવ્યા વિના નહિ જ રહે !
વિમલ પદ્માવતીદેવીના ચરણમાં નમી પડ્યા. થોડી પળો બાદ એમણે મસ્તક ઉઠાવ્યું, તો ત્રીજી એક દૈવી શક્તિ એમની ભક્તિથી ખેંચાઈને ત્યાં હાજરાહજૂર બની હતી. કોયલના ટહુકાર રેલાવતી એ શક્તિને વાચા ફૂટી :
‘વિમલ ! તારી ભક્તિની શક્તિથી ખેંચાઈને અહીં આવેલી હું ચક્રેશ્વરી છું. તને કંઈક આપવા હું અહીં આવી છું. તું તારું ભિક્ષાપાત્ર લંબાવ !'
આબુ તીર્થોદ્ધારક
૧૦૮