________________
પાછા ફરતાં આ રસ્તો સ્વીકાર્યો હતો. એઓ એક દિ, આરાસણમાં આવી પહોંચ્યા. અને અઠ્ઠમના પ્રત્યાખ્યાનપૂર્વક, જૈનશાસનની પ્રભાવનાના મુદ્રાલેખ સાથે, પલાંઠી લગાવીને એઓ ધ્યાનમાં બેસી ગયા. એ પલાંઠી એવી મજબૂત હતી કે, ગમે તેવી લાઠીની બીક પણ એને ચલિત કરવા સમર્થ ન હતી. મુખ્યત્વે અંબિકાદેવીને ઉદેશીને પ્રારંભાયેલી એ આરાધનાના ત્રીજા દિવસની રાતે એકાએક વાતાવરણે પુણ્ય પલટો લીધો :
પવનની પાંખ પર બેસીને આવેલા પ્રચંડ પ્રકાશ અને પરિમલે એ સાધનાભૂમિમાં અવતરણ કર્યું, એથી ઘોર અંધકારની વચ્ચે એ સાધનાભાગ મલક મલક મરકી રહ્યો. અને વાતાવરણ સુગંધથી સભર બની ઊડ્યું. દંડનાયક વિમલ તો પથ્થરમાં કંડારેલ શિલ્પની અદાથી નિશ્ચલ જ હતા. ત્યાં તો એમની સમક્ષ એક શક્તિનું પ્રાગટ્ય થયું. જાણે વીણા વાગતી હોય, એવી અનુભૂતિ કરાવતી વાણી એ શક્તિના મોમાંથી રેલાઈ રહી : વિમલ ! માગ, જે જોઈએ એ માગ ! હું અંબિકા દેવી આજે તારી પર ફરી વાર સંતુષ્ટ થઈ છું, આબુના તીર્થોદ્ધારમાં તો હું તને સહાયક થવાની જ છું. માટે એ સિવાય તું બીજું કંઈ માંગે, એમ હું ઇચ્છું છું.
દેવી મા ! આ સિવાયનું મારે બીજું જોઈએ પણ શું ! આબુનાં શિખરો પર જૈનશાસનનો જયધ્વજ રોપવા સિવાયની કોઈ ઇચ્છા મારા મનમાં અસ્તિત્વ ધરાવતી નથી !'
શ્રી અંબિકા દેવીએ કહ્યું : જે માગણ નથી બનતો, એને બેવડું દાન મળે છે. હું તને “સિંહનાદ'ની એવી શક્તિનું પ્રદાન કરું છું કે, જેના પ્રભાવે સિંહના દર્શને હરણિયાનાં ટોળાં જીવ લઈને પલાયન થઈ જાય, એમ શત્રુઓ તારાથી થરથર કંપતા ક્યાંય ભાગી જશે !
દંડનાયક વિમલ ઊભા થયા અને અંબિકાદેવીના પગ પકડી લઈને ધન્યતા અનુભવી રહ્યા. થોડી પળો પછી મસ્તક ઊંચું કરીને એમણે આંખ ખોલી. તો બીજી એક દૈવી શક્તિનું દર્શન થયું. એઓ મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૦૭