________________
ઊંડાણ સુધી ઉતારવામાં મને સહાયક બની જાય, એમ પણ કેમ ન બની શકે ? અને દામોદર મહેતા આશાના ઝૂલે ઝૂલતા ઝૂલતા, હસતા હૈયે કોઈ વિચારના વનમાં ઊંડા ઊંડા વિહરી રહ્યા !
– – – જૈનશાસનના જયજયકાર જગવવાપૂર્વક દંડનાયક વિમલની કીર્તિકથાનેય ફેલાવતી એ સંઘયાત્રા આગળ ને આગળ વધતી જ્યારે આબુનાં શિખરોનું દર્શન મેળવવા બડભાગી બની, ત્યારે દંડનાયકનું દિલ અનેરી આનંદની લાગણીઓથી ઊભરાઈ ગયું. એ લાગણીની લહેરો ત્યારે તો ગગનને ચુંબતી ગતિએ નાચી ઊઠી, જ્યારે સંઘયાત્રા આબુના એ ગિરિપથને ઓળંગીને આગળ વધી રહી ! આ નૃત્યના રહસ્યની માત્ર બે જ જણા પાસે જાણકારી હતી : એક પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી અને બીજા દંડનાયક વિમલ !
અનેકાનેક મનોરથો સેવતા દંડનાયક વિમલ એ ગિરિપથ વટાવીને જીરાપલ્લી પહોંચ્યા. ત્યાં તો અદ્ભુત માનવમેળો રચાયો અને અનોખી શાસન પ્રભાવનાના શંખ ત્યાં બજી ઊઠ્યા. શ્રી ધર્મઘોષસૂરિજીની વિહારદિશા જુદી હોવાથી, જરૂરી માર્ગદર્શન મેળવીને, એક વહાલસોયા ધર્મપિતાથી વિખૂટા પડવા જેવી વેદના અનુભવતા વિમલ દંડનાયકની સંઘયાત્રા પાટણ તરફ પાછી ફરી. પાછા વળતાં આરાસણ-કુંભારિયા થઈને પાટણ જવાનો નિર્ણય ક્યારનોય દંડનાયકે લઈ જ લીધો હતો. આ નિર્ણય લેવા પાછળ મહત્ત્વનું કારણ હતું : દૈવીશક્તિની આરાધના !
દંડનાયક વિમલ અર્બુદાચલ પર જે રીતે એ આબુની પૂર્વ જાહોજલાલીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું વિક્રમસર્જક કાર્ય કરવાના મનોરથો સેવી રહ્યા હતા, એમાં દૈવી શક્તિની સહાય વિના પગલુંય આગળ વધાય એમ નહોતું. એથી અંબિકાદેવીના ધામ ગણાતા આરાસણમાં વિશિષ્ટ આરાધના કરવા દ્વારા એઓ તીર્થોદ્ધારક બનવાની સક્ષમતા મેળવવા માંગતા હતા અને એથી જ તેમણે જીરાપલ્લીથી
૧૦૬ %
આબુ તીર્થોદ્ધારક