________________
હતું, એને નજરે નિહાળવાનો કોઈ પ્રસંગ હજી આજ સુધી સાંપડ્યો નહોતો, છતાંય પોતાના દિલમાં આબુ પ્રત્યે જે અકથ્ય આકર્ષણ અકબંધ સચવાઈ રહ્યું હતું, એનું કારણ દંડનાયકને આ મહિમાગાન સાંભળતાં સાંભળતાં હાથવગું થઈ ગયું અને દરિયાકિનારે રમતું બાળક જેમ રેતમાં ઘર ચણે, એમ એઓ કલ્પનાનાં ચણતર કરવા મંડી પડ્યા :
દેવગુરુની કૃપાનો પુણ્યપાત થાય, તો હું શું એક જૈનતીર્થ તરીકે આબુની આબરૂનાં એ તોરણ ફરી પાછાં ઘરે ઘરે, નગરે નગરે અને દેશે દેશ બાંધવામાં સફળ ન થઈ શકું ? પિતા-મુનિનો વિદાય સંદેશ આમ કરવામાં મને પ્રોત્સાહક બને એવો છે, માટે એક વાર જો મારામાં આબુને તીર્થમાં પલટાવવાની ભક્તિની ભરતી ચડી આવે, પછી તો શક્તિના રત્નઢગ એમાં ખેંચાઈને આવ્યા વિના નહિ જ રહે !’
દંડનાયક વિમલની આંખ સામે અંબિકાદેવીની પ્રસન્નતા તરવરી ઊઠી. એઓ વિચારી રહ્યા : આ દૈવી શક્તિ આમે ય મારી સહાયમાં છે. એમાં પણ હું જો ધર્મકાર્ય માટે એમની વધુ સહાયની અપેક્ષા રાખું, તો ચોક્કસ એઓ કૃપાની અનરાધાર વર્ષા કર્યા વિના નહિ જ રહે ! દંડનાયક વિમલ એ હકીકતથી પૂરા પરિચિત હતા કે, આબુ ઉપર જિનમંદિરો ઊભાં કરવાનો પોતાનો વિચાર, અત્યારે સૌ કોઈને રેતીનું ઘર રચવામાં રાચતા બાળકની રમત જેવો જ જણાય, એ સાવ સંભવિત હતું. કારણ કે આબુની ઊંચાઈ, ત્યાં પહોંચવાના રસ્તાઓની દુર્ગમતા, અજૈન પૂજારીઓનું વર્ચસ્વ અને ત્યાં જૈનમંદિર હોવાના કોઈ પુરાવાનો અભાવ : આ બધી પરિસ્થિતિ એવી વિકટ હતી કે, આબુ ઉપ૨ જૈનતીર્થની સૃજનાનું સ્વપ્ન પણ આંખમાં ટકી શકવુંય મુશ્કેલ હતું, ત્યાં સાક્ષાત્ સર્જન તો સહેલું ક્યાંથી હોઈ શકે ? એકલી માનવીય શક્તિથી આ સર્જન થવું અશક્ય પ્રાયઃ હતું, દૈવી શક્તિની સહાય એમાં પૂરેપૂરી અપેક્ષિત હતી. એથી આવી કોઈ સહાય પછી જ તીર્થસ્થાપનાના ક્ષેત્રે પગલું ઉઠાવવું યોગ્ય ગણાય.
૧૦૨
આબુ તીર્થોદ્ધારક