________________
૮૫ વર્ષો પૂર્વે આબુ એક જૈનતીર્થ તરીકે જ્વલંત જયજયકાર સાથે જૈનજગતમાં ગાજતું હોવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ સ્મિત સાથે વાળતાં પૂ. શ્રી ધર્મઘોષસૂરિજીએ વળી જુદી જ વાત કરી : અને ભાવિનું એવું પણ એક કાળગણિત કેમ માંડી ન શકાય કે, કદાચ ચાર પાંચ દશકામાં આબુ પુનઃ જૈનતીર્થ તરીકે જાહોજલાલીભર્યું સ્થાનમાન પામીને પુનઃ પ્રતિષ્ઠિત બની જાય ! વીર મંત્રીના તમારા જેવા ધર્મિષ્ઠ-પુત્રના હાથમાં ગુર્જર રાષ્ટ્રનું “દંડનાયક જેવું પ્રતિષ્ઠિત પદ શોભી રહ્યું હોય, ત્યારે કોઈ પણ તીર્થ-પ્રેમીને આવી આશા સૃષ્ટિનું સર્જન કરતાં કેમ રોકી શકાય?
દંડનાયક વિમલ શ્રી ધર્મઘોષસૂરિજીના ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવીને આશીર્વાદ યાચી રહ્યા : ભગવદ્ ! આપની વાણી સફળ બનાવવાની ભક્તિ-શક્તિ મારામાં વહેલી તકે જાગ્રત થાય, એવો કૃપાપાત કરવામાં શું આપ મારી વિનંતીની અપેક્ષા રાખવા જેટલી પણ ઢીલ કરશો ખરા ?
શ્રી ધર્મઘોષસૂરિજીનો વરદ હાથ દંડનાયક વિમલના મસ્તક પર અનેરી કૃપાનાં કિરણો વેરી રહ્યો, એ કિરણોમાં જૈનજગત માટે અંધકારાચ્છાદિત બનેલા આબુ ઉપર અજવાળાનો અભિષેક કરીને, જૈનતીર્થ તરીકે એને પુનર્ધ્વનિત કરવાનું કેવું બળ હતું? આનો જવાબ મેળવવા તો કાળ-પુરુષની સામે ટગરટગર જોયા કરીને, સમય-યાપન કરવાપૂર્વક આ કથા-પ્રવાહમાં આગળ ને આગળ ધપવું જ રહ્યું !
૧૦૦
આબુ તીર્થોદ્ધારક