________________
વિમલને ઉદ્દેશીને તો નહિ હોય ને ? કારણ કે ગુજરાતમાં અત્યારે ઊગતા સૂર્યની જેમ અનેકના નમસ્કાર ઝીલતી વ્યક્તિ તરીકે વિમલ સિવાય બીજા કોઈ ૫૨ દૃષ્ટિ ઠરે એવું નથી ! એથી એમણે આશાભર્યા અંતરે આબુના ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો ઉથલાવતાં કહેવા માંડ્યું :
‘દંડનાયક ! આબુનો પણ એક ગૌરવવંતો સમય હતો, જ્યારે અર્બુદાચલ તરીકે આ તીર્થ પ્રખ્યાત હતું. આના ઇતિહાસનો આદિકાળ શ્રી ઋષભદેવ પ્રભુ અને એમના ચક્રવર્તી પુત્ર શ્રી ભરત મહારાજા સુધી લંબાયેલો છે. પ્રભુના ઉપદેશથી શ્રી ભરત ચક્રવર્તીએ આબુમાં ભવ્ય જૈનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ચાર દ્વાર ધરાવતા એ સુવર્ણચૈત્યનો વિનાશ ક્યારે થયો, એનો કોઈ ચોક્કસ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. ઘણા સાધકો અહીં અનશન કરીને મોક્ષે ગયાના ઉલ્લેખો શાસ્ત્રાંકિત છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ચરણકમળથી મંડિત આ આબુ પર પ્રભુના નિર્વાણ પછી એમની દશમી પાટે આવેલા શ્રી સુસ્થિતાચાર્યના સમયમાં જિનમંદિરો હતાં, કારણ કે શ્રી સુસ્થિતાચાર્ય આબુની યાત્રા કરીને અષ્ટાપદની યાત્રાએ ગયાની નોંધ મળે છે. વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરિજી રોજ આકાશગામિની-વિદ્યાથી જે પાંચ તીર્થોની યાત્રા કરતા હતા, એમાં એક તીર્થ તરીકે આબુનું પણ નામ મળે છે. શ્રી મહાવીર પરમાત્માની ૩૩મી પાટે થયેલા વડગચ્છના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિજી મહારાજા વિ. સં. ૯૯૪માં આબુની યાત્રાએ આવ્યા હતા. શ્રી ભદ્રબાહુ સ્વામીજી વિરચિત શ્રી બૃહત્કલ્પસૂત્રમાં આબુ તીર્થનો ઉલ્લેખ આવે છે.’
દંડનાયક શ્રી વિમલ આ ઇતિહાસ સાંભળીને રોમાંચ અનુભવી રહ્યા. એમણે આ બધી વાતનો સાર ગણિતની ભાષામાં રજૂ કરતાં કહ્યું : ભગવન્ ! તો તો હજી નજીકના કાળમાં જ આબુ ઉપર જિનમંદિરોનું અસ્તિત્વ ચોક્કસ હોવું જોઈએ. આપે છેલ્લો ઉલ્લેખ વિ.સં. ૯૯૪નો કર્યો. એથી શું એમ ન કહી શકાય કે, લગભગ ૮૦/
મંત્રીશ્વર વિમલ
22