________________
ભગવદ્ ! આજે અજૈનોને માટે તીર્થધામ ગણાતા આબુના ઇતિહાસમાં કોઈ એવું ભૂતકાલીન પ્રકરણ પણ વાંચવા મળે છે ખરું કે, જેમાં આબુનો જૈનતીર્થ તરીકે ઉલ્લેખ હોય ! કેવો રળિયામણો એ ગિરિરાજ ! પણ જ્યાં વીતરાગ પ્રભુનાં બેસણાં ન હોય, એવી રમ્યતાને શું કરવાની ! જે રમ્યતાને પૂજ્યતા વરેલી હોય, એ જ રમ્યતા પર રાજીપો અનુભવાય !”
દંડનાયકે દિલનાં દ્વાર ખોલી દઈને, ભીતરની ભાગોળે આબુ તરફનું જે આકર્ષણ રમતું હતું, એને ખુલ્લું કરી દીધું. વિમલની આ વાત સાંભળતાં જ આચાર્યદેવ શ્રી ધર્મઘોષસૂરિજી કોઈ ઊંડા વિચારમાં ગરકાવ બની ગયા. હજી થોડાક જ મહિનાઓ પૂર્વે આબુની ગોદમાં નિહાળેલી એક સ્વપ્નસૃષ્ટિ, એમની આંખ સામે તાજી બની ઊઠી.
વાત એમ હતી કે, સંયમ-યાત્રાની સાથે સાથે જીરાપલ્લી તીર્થ (જીરાવલા) આદિની યાત્રા કરીને પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી આબુનો ગિરિપંથ ઓળંગીને પ્રહૂલાદનપુર આદિ એ વખતની પ્રખ્યાત નગરીઓમાં ધર્મલાભ આપીને પાટણ તરફ આવવા નીકળ્યા, ત્યારે પહેલી જ વાર આબુની ગિરિમોમ નિહાળીને, આબુનો ભવ્ય ભૂતકાળ એમને સાંભરી આવ્યો અને થયું કે, ઇતિહાસકાલીન જૈનતીર્થ આબુની એ આભા ક્યાં ! અને આજે એક પણ જિનપ્રતિમા વગરનો આ આબુ ક્યાં? આવા વિચારમાં નિદ્રાધીન બનેલા એમની આંખમાં રાતે એક સ્વપ્નસૃષ્ટિ ઊતરી આવી, એમાં શ્રી અંબિકાદેવીએ એમને એવો સંકેત આપ્યો કે, આપ ગુજરાત તરફ પધારી રહ્યા છો, એ ખૂબ આનંદની વાત છે. કારણ કે ત્યાંની ભૂમિ પર શક્તિ-ભક્તિનાં સૂર્યતેજ ધરાવતી એક એવી વ્યક્તિ અત્યારે ઉદય પામી રહી છે કે, જે આપની પાસેથી ઉપદેશનું પાન કરીને, આબુને જૈનતીર્થ તરીકે ફરીથી ઇતિહાસનાં પાને સોનાના અક્ષરે આલેખશે !
દંડનાયકનો પ્રશ્ન સાંભળીને, આ સ્વપ્ન સજીવન થતા જ શ્રી ધર્મઘોષસૂરિજી વિચારી રહ્યા કે, અંબિકાદેવીનો એ સંકેત, દંડનાયક
| ૯૮ આબુ તીર્થોદ્ધારક