________________
લીધા કે, એથી ગગનનું ગુંબજ કદાચ ફાટી પડ્યું હશે ! હવે વિધિસર દંડનાયક પદે વિમલકુમારને બેસાડવાનો નિર્ણય મેં લઈ લીધો છે. સાથે સાથે એમના મોટા ભાઈ નેઢનેય “મહામાત્ય” તરીકેના મુકુટથી મંડિત કરવાના મારા મનોરથ છે.
પાંચ ગાઉ દૂર ઊભેલા વડલામાંથી બાણ ખેંચી લાવનાર સેવકને ભીમદેવે જ્યારે પોતાનો આ મનોભાવ કહી બતાવ્યો ત્યારે એના આનંદની કોઈ અવધિ ન રહી. બીજે જ દિવસે મહારાજે મંત્રણાખંડમાં પોતાની ભાવના રજૂ કરતાં કહ્યું : તમે બધાએ ગઈકાલના વિમલનાં પરાક્રમ જોયાં જ છે અને મારા અંતરના ભાવ કળી જઈને “દંડનાયક' તરીકે પ્રજાએ વિમલને વધાવી જ લીધા છે ! હવે હું વિમલના ભાઈ નેઢને મંત્રી મુદ્રા આપવાપૂર્વક વિમલને દંડનાયકનું પદ આપવા વિચારું છું. મને વિશ્વાસ છે કે, મારો આ વિચાર તમને સૌને ગમશે જ.
ગઈકાલના બનાવથી વિમલની કીર્તિનું જે એકછત્રી સામ્રાજ્ય પાટણમાં ફેલાયું હતું, એ જોઈને ઘણાખરા મંત્રીઓના મનમાં એવો વિચાર ઝબૂકી ગયેલો કે, જો આ બે ભાઈઓને મહત્ત્વના પદ પર સ્થાપવામાં આવે, તો આ રાજય પ્રજાની વધુ ચાહના મેળવી શકે અને એથી વધારે પ્રભાવશાળી બની શકે ! દામોદર મહેતા જેવા ગણ્યાગાંઠ્યા માણસોને જોકે આ વિચાર સામે, ઘણો ઘણો બળાપો ઠાલવવો હતો ! પણ અત્યારે એ માટે સાનુકૂળ સમય નહોતો. તેથી ઉપરછલ્લી પ્રસન્નતા વ્યક્ત કરીને એ બધા મૌન રહ્યા. આ મૌનની મૂક સંમતિ તેમજ બીજા મંત્રીઓની સહર્ષ સંમતિ મળતાં ભીમદેવના આનંદનો પાર ન રહ્યો અને થોડા જ દિવસો પછીની મંગળ ઘડીએ નેઢ અને વિમલ અનુક્રમે મહામાત્ય અને દંડનાયકના પદને શોભાવવા માંડ્યા. આ પ્રસંગે પણ પ્રજાએ મંત્રી વીરના આ પુત્રોને લાગણીનાં જેટલાં ફૂલોથી વધાવી શકાય, એટલાં ફૂલોથી વધાવવામાં જરાય કચાશ ન રાખી. કારણ કે ખૂબ જ મહત્ત્વનું આ પદ હતું. હાથી, ઘોડા,
૯૪ આબુ તીર્થોદ્ધારક