________________
નીરવ શાંતિ પથરાઈ ગઈ. પહેલો પ્રયોગ બાળકનો હતો. એક બાળકને સુવડાવીને એની પર ૧૦૮ પાંદડાં મૂકવામાં આવ્યાં. ભીમદેવે કહ્યું : વિમલકુમાર ! બરાબર ૫૪મું પાન વીંધી બતાવો.
વિમલે મનમાં શ્રી અંબિકાદેવીનું સ્મરણ કર્યું અને ત્યાર પછી ધનુષની પણછ પરથી એવી રીતે નિશાન તાકીને બાણ મૂક્યું કે, બરાબર ૫૪મું પાન લઈને એ બાણ સડસડાટ પસાર થઈ ગયું.
આ પ્રયોગની પળે પ્રજાના મનમાં અનેક જાતના ભય સહિતની આતુરતા-જિજ્ઞાસા હતી. પણ બાળકને જરાય આંચ ન પહોંચી અને ૫૪મું પાન લઈને એ બાણ આગળ વધ્યું, એથી હવે પછીના પ્રયોગો અંગે વિમલની શક્તિ-કળા પર સૌને વિશ્વાસ બેસી ગયો.
બાળકના શરીર પર રચાયેલી એ પાનની ઊંચી હાર અકબંધ હતી અને બરાબર વચમાંનું પાન જ વીંધાયું હતું. ભીમદેવે વિમલની પીઠ થાબડીને કહ્યું કે, હવે ઝબકતી ઝાલ વીંધી બતાવો.
નિર્ધારિત જગા પર એક ભરવાડણને પોતાની વલોણાની સામગ્રી સાથે હાજર કરવામાં આવી. થોડી જ પળોમાં ઘમ્મરવલોણાં ચાલુ થઈ ગયાં. વિમલે બરાબર નિશાન તાકીને બાણ મૂક્યું. અને ભરવાડણનેય અંધારામાં રાખીને એના કાન પર ઝબૂકતી ઝાલને સિફતપૂર્વક ઉઠાવી લઈને એ બાણ આગળ વધી ગયું.
ભીમદેવ સહિત પ્રજા આવી નીડરતા અને આવી નિશાનનિષ્ઠા પર ઓવારી ગઈ. રાજાએ કહ્યું : વિમલકુમાર ! ‘તમાશા' અને ‘છોકરમત’ તમારા આ શબ્દો અપમાનસૂચક નહિ, હકીકતસૂચક હતા, એમ હવે અત્યારે મને જણાય છે ! તમારી આ કલા જોતાં અત્યારે તો મને પણ લાગે છે કે, ઝાડ પરના ફલને વીંધવું કે પાંદડાને નિશાન બનાવવું, એને બાણકળાની બારાખડીનો હજી કક્કો કહી શકાય, પણ સિદ્ધિ તો નહિ જ ! જે આવો બિનહરીફ બાણાવળી હોય, એને કક્કો જ ઘૂંટતાં બાળકો જેવા આ બહાદુરોમાં છોકરમત અને એને વખાણતા આ ટોળામાં તમાશાનું દર્શન થાય, એમાં આશ્ચર્ય પણ શું છે ?
મંત્રીશ્વર વિમલ
re