________________
બનેલ દામોદર મહેતા પરિસ્થિતિનો થોડોઘણો ક્યાસ કાઢવા જાય, એ પૂર્વે તો ભીમદેવના ચરણની રજ મસ્તકે ચડાવીને વિમલકુમારે નત મસ્તકે કહ્યું :
“મહારાજ ! આપની આ આજ્ઞા મારે માટે શિરોધાર્ય છે. બાણકળાનું પણ એક મોટું શાસ્ત્ર છે. આને કળા એટલા માટે કહેવાય છે કે, આ એક જ શસ્ત્ર એવું છે કે, જેના વપરાશમાં કળાને પણ સ્થાન આપી શકાય અને સામાન્ય જનતા પણ આ શસ્ત્રના પ્રયોગો હોંશે હોંશે જોઈ શકે. મહારાજ ! બાણકળા અનેક રીતે વ્યક્ત કરી શકાય છે.”
વિમલનું વક્તવ્ય આગળ વધ્યું : મહારાજ ! આપ કહો, તો શધ્યામાં સુવડાવેલા બાળકના શરીર પર મુકાયેલાં ૧૦૮ પાનમાંથી ચોક્કસ કોઈ પાન વીંધી આપે ! વલોણું કરતી નવયૌવના-નારીના કાને ઝબકતી ઝાલને વીંધવાનું કહો, તો એ સ્ત્રીના ગાલને જરાય ઈજા પહોંચાડ્યા વિના એ ઝાલને વીંધી આપું ! તો અહીંથી ગાઉના ગાઉ દૂર સુધી જઈને પડે, એ રીતે, એ રીતના વેગપૂર્વક બાણને છોડી બતાવું ? મહારાજ ! આપ આમાંથી કહો, એ રીતની બાણકળા બતાવવા હું તૈયાર છું ! આપ આજ્ઞા ફરમાવો અને એક ધનુષબાણ હાજર કરો, એટલી જ વાર છે; હું બધી રીતે તૈયાર છું.
સૌને એમ થયું કે, મહારાજ ભીમદેવ કઈ રીત પર પસંદગી ઉતારશે? કારણ કે એકથી એકમાં ચડિયાતી આ કળા હતી, ત્યાં તો ભીમદેવે હસતાં હસતાં કહ્યું : વિમલકુમાર ! બાણકળાના રસિયા આગળ તમે એકથી એક ચડિયાતી એવી વાનગીનાં નામ રજૂ કર્યા છે કે, એકને પણ નાપસંદ કરવાનું મન ન થાય. માટે મારી તો એવી ઇચ્છા છે કે, તમે આ બધી કળાઓ બતાવો, અને મારી ભૂખ સંતોષો !
ભીમદેવની આ અનોખી પસંદગી પર પ્રજાએ પ્રસન્નતાનાં પુષ્પો વેર્યા. ધનુષ અને બાણ વિમલના હાથમાં આપવામાં આવ્યાં. ચોમેર
૮૮ આબુ તીર્થોદ્ધારક