________________
૫૭.
વગર વિચાર્યું કાર્ય કરી આપઘાત સુધીના પરિણામ-વિચાર જન્મે છે. પગ જેટલા પહોળા થાય તેટલા જ સમજુએ કરવા જોઈએ એ વાત ભૂલી જવાથી દુઃખના દાવાનાળમાં શેકાઈ જવાય છે. ન કહી શકાય ન સહી શકાય તેવી દશા ઉભી થાય છે.
પૂર્વગ્રહ-સત્યાગ્રહ-વિગ્રહના કારણે મનગમતી (ભલે બીજાની દ્રષ્ટિએ અયોગ્ય) વ્યક્તિની સાથે ચાલ્યા જવાનું, અન્ય ધર્મ-જ્ઞાતી-પદ્ધતિનો વિચાર કર્યા વિના ઝંપલાઈ જવાનું, સુખને ત્યજી દુઃખને અપનાવવાનું સાહસ કરાય છે. કોઈએ ઠીક જ કહ્યું છે, “રાજાને ગમે તે રાણી બાકી બધા ભરે પાણી.” પરંતુ ઉતાવળે લીધેલા પગલાનું ફળ છૂટાછેડા અથવા બીજું પણ આવી શકે છે. પાત્રમાં પાત્રતા છે કે નહિ તેનું જ્ઞાન અનુભવી વડીલોને જ હોય.
હઠાગ્રહ - આ વ્યક્તિ વિવિધ ક્ષેત્રમાં પોતાનું જ ધાર્યું કરવા તલપાપડ હોય પછી ભલે દીવો લઈ કૂવામાં પડવું પડે” અથવા “મરે પણ ત્યજે નહિં' જેવું કાર્ય કરી ઘર-સમાજમાં નિંદાને પાત્ર થાય.
હવે છેલ્લો ઉપગ્રહનો વિચાર કરી લઈએ. વૈજ્ઞાનિકો અથવા દેશની ખ્યાતિબોલબાલા માટે ઉપગ્રહની શોધ, પ્રયોગો અને નિષ્ફળતાઓનો વિચાર કરીશું તો પાણી વલોવ્યા જેવું ન લાગે ? જો મનુષ્ય જમીન-પૃથ્વી ઉપર પણ સુખશાંતિ-સમાધિથી જીવી શકતો ન હોય, જન્મ વખતે સાથે લાવેલ પુણ્ય ખર્ચા આવતી કાલ માટે આવતા ભવ માટે બેન્ક બેલેન્સ નિર્માણ કરી શકતો ન હોય તે ઉપગ્રહ દ્વારા શું મેળવી શકશે? એ વિચારવા જેવું છે. “ગ્રહ' માટે આવા ઘણાં વિચારો કરી શકાય પણ અત્યારે ટૂંકુ જ વિચારીએ.
અંતે ઘઉં વિણવા બેઠેલી બેનો ઘઉં વિણતી નથી પણ કાંકરાં જ વિણીને ઘઉને સાફ કરે છે. તેમ સંસારમાં રહેલા જીવે પોતાના વિચારોને શુદ્ધ કરી સંસારી ગ્રહોથી મુક્તજીવન જીવવાના ભાવ સાથે આકાશી ગ્રહો સાથે મૈત્રી કેળવી સમજદારીથી તેઓની સાથે વ્યવહાર કરવો જોઈએ. તો જ મિત્રાચારીના સંબંધે જીવન ધન્ય થશે, જન્મ-મરણ ઘટી જશે. આત્મા પરમાત્મ તત્ત્વ પ્રાપ્ત કરવા યોગ્ય થશે.