________________
૪૯
ગામડાઓમાં ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવામાં આવે છે. તરત બીજે દિવસે અદ્રશ્ય ઝરણામાંથી કૂવામાં બીજુ પાણી આવી જશે. ગાયને સવાર-સાંજ દોહવામાં આવે તો એના દ્વારા ૧૦ થી ૧૨ લીટર દૂધ મળે પણ લોભથી બે દિવસ પછી ૨૦ થી ૨૫ લીટર દૂધ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં સફળતા ન મળે તેમ લક્ષ્મી-ધન પૈસાનું છે. રોજ શક્તિ છૂપાવ્યા વિના ધર્મ કાર્યમાં લક્ષ્મી વાપરવામાં આવે તો એ ધનનું ઝરણું કદાપિ બંધ નહિ થાય. ટૂંકમાં પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલા ધનને તિજોરીમાં બાંધી ન રાખો, સુકૃતમાં વાપરો.
ભ. મહાવીર સ્વામીએ દીક્ષા પૂર્વે સંવત્સરી દાન આપીને બીજાને મૂક પ્રેરણા આપી. પ્રભુ જ્યારે દાન આપે ત્યારે બે ઈન્દ્ર પ્રભુની સેવામાં હાજર હોય. એકનું ભાગ્ય ઓછું હોય તો પ્રાપ્ત કરનારના હાથમાંથી ઓછું કરી લે અને ભાગ્ય વધુ હોય તો તેમાં વૃદ્ધિ કરે.
સંવત્સરી દાન પ્રાપ્ત કરનાર છ મહિના સુધી નિરોગી રહે. એ ધન પરિવારને સુખ-શાંતિ-સમાધિ આપે. આ છે સંવત્સરી દાનનો મહિમા.
ભાન ભૂલેલો માનવી પોતાને પ્રાપ્ત થયેલા ધન-નિધિ બાબત અભિમાન કરે, નિર્ધન એવા બીજાની હાંસી મજાક કરે, ઈર્ષા અદેખાઈ કરે તો પ્રાપ્ત થયેલ બધું એ દુર્ગુણના કારણે અલ્પ સમયમાં લુપ્ત થઈ જાય, ચાલ્યું જાય. માટે જ જ્ઞાનીઓએ આઠ મદ-અભિમાનથી અલિપ્ત રહેવા પ્રેરણા આપી છે.
સામાયિક મંડળમાં મેમ્બરોને વિરતિની અનુમોદના માટે કોઈ ભાગ્યશાળી પ્રભાવના કરે. પ્રભાવનામાં પ્રાપ્ત થયેલ ધન મેમ્બર જો પાકીટમાં નાખે તો સંસારમાં વપરાશે. બટવામાં નાખે તો ધર્મમાં વપરાશે. ગરીબને આપે તો અનુકંપા રૂપે વપરાશે. પ્રશ્ન એ જ કે, મળેલું ધન આપનારે શુભભાવે આપ્યું. હવે, વાપરનાર જો વિવેકથી તેનો ઉપયોગ કરે તો ધન્ય બને.
સમરો મંત્ર ભલો નવકાર' ગીતમાં તેના રચયિતાએ નમસ્કાર મહામંત્રના નવપદને નવનિધિની ઉપમા આપી છે. “નવપદ એના નવનિધિ આપે, ભવભવના દુઃખ કાપે.” ચક્રવર્તી જ્યારે છ ખંડને જીતવા માટે નિકળે ત્યારે ગંગા નદીના કિનારે નવનિધાન પ્રાપ્ત થતા હોય છે. તે જરૂરત મુજબ કામ આવતા હોય છે. એટલો એ ૯ નિધાનનો મહિમા છે. સિદ્ધચક્ર પૂજનમાં પણ ખાસ એ નિધાનોને શક્તિશાળી સમજીને બહુમાન-પૂજા કરવામાં આવે છે.