________________
૩૭૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
જુદા જુદા સમયે અને જુદા જુદા ભવોમાં તે ક્ષયોપશમમાં તરતમતા થયા કરતી હોય છે. ત્રણેના ખૂલેલા અંશોની બે અવસ્થા હોય છે (૧) લબ્ધિરૂપે અને (૨) પ્રવૃત્તિરૂપે. લબ્ધિરૂપે હોય તેમાંથી જ વીર્યગુણ પ્રવૃત્તિરૂપે સક્રિય કરે છે. તેને જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ કહેવાય છે, જીવ પદાર્થના જ્ઞાન કે દર્શન માટે ઉપયોગ મૂકે (જ્ઞાન કે દર્શન માટે શેય પદાર્થપ્રત્યે મન લઈ જાય) ત્યારે જે વસ્તુ કે વિષયને આશ્રયી (મનમાં વિચારી કે જાગૃત કરી)ને ઉપયોગ મૂક્યો હોય, તેટલું જ જ્ઞાન જીવ વર્તમાનમાં કરે છે. તેટલા વસ્તુના જ્ઞાનના ઉપયોગમાં જીવ વર્તતો હોય છે. જેવી રીતે કોમ્પ્યુટરમાં સ્ટોર (લબ્ધિ) ઘણું થઈ શકે છે, પરંતુ જ્યારે જેને આશ્રયીને બટન દબાવો તેટલું જ સ્ક્રીન ઉપ૨ (પ્રવૃત્તિ) દેખાય છે.
કેવલજ્ઞાની સદા ઉપયોગમાં હોય છે ઃ
કેવલજ્ઞાનીને જ્ઞાન, દર્શન અને વીર્યના આવરણના સઘળા અનંતા અંશો ખુલી ગયા હોય છે. કારણ કે તેમણે સંપૂર્ણકર્મનો ક્ષય કરી લીધો છે. તેથી તેઓ પૂર્ણજ્ઞાની, પૂર્ણ દર્શની અને પૂર્ણ શક્તિવાળા છે. તેમજ સઘળુ જ્ઞાન સતત સક્રિય છે. (પૂર્ણવીર્ય) તેઓ સદા ઉપયોગવંત જ હોય છે. તેઓને ઉપયોગ મૂકવો પડતો નથી. અનંતજ્ઞાન, અનંત દર્શનનો સદા ઉપયોગ વર્તે છે. પૂર્ણ લબ્ધિ હોય છે, અને તે પૂર્ણરૂપે સતત પ્રવૃત્ત (સક્રિય) હોય છે સઘળા પદાર્થોનું સઘળું ભૂત, ભવિષ્ય અને વર્તમાન સતત ઉપયોગમાં વર્તી રહ્યું છે. કોઈપણ વસ્તુનું જ્ઞાન કરવા આપણે મનથી પ્રયત્ન કરવો પડે છે. સર્વજ્ઞને વિના પ્રયત્ને સઘળુ આત્મપ્રત્યક્ષ છે. આત્માનો સ્વાભાવિક ગુણ છે. દર્પણમાં સહજ ઝીલાતા પ્રતિબિંબની જેમ.
ઉપયોગ, ભાવના, પરિણામ, પ્રવૃત્તિ ઃ
સંસારી (છદ્મસ્થ) જીવ જ્યાં જે ભવમાં જીવી રહ્યો હોય ત્યાં પોતાની સમક્ષ જે જે ચીજો, વ્યક્તિઓ પરિસ્થિતિ વિગેરે ઉપસ્થિત થાય, તે પોતાનો જ્ઞાનગુણ સક્રિય થવાથી જાણે છે, સમજે છે, એટલે કે તેના