________________
૧૦૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (દ્રવ્યની વ્યાખ્યા)ની હાનિ આવશે. તેના સમાધાનમાં ગ્રંથકાર જણાવે છે કે તે ત્રણે દ્રવ્યોમાં ઉત્પત્તિ, નાશ, અને સ્થિતિ ત્રણે સ્વભાવ રહેલા છે. તે આ મુજબ ઘટે છે.
આકાશનું જગા આપવાનું કાર્ય છે. તેનું તે કાર્ય જગા લેનાર જીવ અને ભૌતિકદ્રવ્યો વિના વ્યક્ત (પ્રગટ) થતું નથી. એટલે કે, જીવાદિ જયારે આકાશમાં (અવગાહ) જગા લે છે, ત્યારે આકાશનું જગા આપવાનું કાર્ય (વ્યકત) પ્રગટપણે સંભવે છે. જીવાદિનો આકાશ સાથે સંયોગ માત્ર જ અવગાહ છે. સંયોગ એ, સંયોગ પામેલા, બે કે વધુ વસ્તુથી જ સંભવે છે. જેમકે બે અંગુલીનો સંયોગ. આ રીતે ચોક્કસ સ્થળ (આકાશ)માં જીવાદિને અવગાહન (જગા) આપવા રૂપે, તે આકાશમાં ઉત્પાદ ઘટશે. તે આ રીતે સમજાવી શકાય :- જે સ્થળ (આકાશ) પહેલા જગા આપવાનું કાર્ય કરતું ન હતું, તે સ્થળ (આકાશ)
જ્યારે કોઈ જીવાદિ ત્યાં આકાશમાં) આવીને રહે ત્યારે, હવે તેને જગા આપવાનું કાર્ય કરે છે. આ રીતે તે સ્થળ (આકાશ) જે પૂર્વે જગા આપતું ન હતું કે, હવે જગા આપનાર તરીકે ઉદ્ભવ્યુ, તે રીતે બુદ્ધિથી કલ્પી શકાય છે. જો કે આકાશમાં કોઈ ફરક પડતો નથી. તે તો સ્થિર જ છે, અને તેનો જગા આપવાનો સ્વભાવ પણ બદલાયો નથી, પણ જે પહેલાં જગા આપવાનું કાર્ય પ્રગટપણે કરતું ન હતું કે, હવે જગા આપવાનું કાર્ય પ્રગટપણે કરે છે. આ સમજી શકાય છે. આ જ રીતે જીવ કે ભૌતિકદ્રવ્યો ત્યાંથી સ્થળાંતર કરે ત્યારે જગા આપવાના કાર્યનો નાશ થાય છે, (અથવા જયારે “જગા આપવા” તરીકે ઉદ્ભવ્યું ત્યારે જ “જગા નહિ આપવા તરીકે નાશ પામ્યું, આ રીતે કોઈપણ ઉત્પત્તિ સાથે તે જ ક્ષણે નાશ પણ અવશ્ય સંયુક્ત હોય છે.) આ રીતે તેમાં નાશ પણ સમજી શકાય - માની શકાય છે. એ બંને (જીવાદિએ આકાશમાં જગા લીધી અને તેને છોડી ગયા - સ્થળાંતર કરી ગયા બંને) અવસ્થામાં આકાશ તેના મૂળ સ્વરૂપે તો જેવું હતું તેવું જ છે, એટલે ધ્રૌવ્ય (સ્થિતિ-સ્થિરતા - એક સરખી સ્થિતિમાં રહેવાપણું) પણ ઘટે છે.