SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમ્યગ્દર્શન સંબંધી ગુરુદેવના પ્રમાણ વચનો ૧. અનંતકાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંતકાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે; પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ કરીને, પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાના ટાણાં આવ્યા છે અને તેનો ઉપાય એકમાત્ર સમ્યગ્દર્શન જ છે. ૨. આચાર્યદવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે હે ભાઈ ! તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જો એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. ચારિત્ર કરતાં સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પકાળે મુક્તદશા પ્રગટ કરે છે, જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મકલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ! તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને ચારિત્રદશા પ્રગટ થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે, પણ જો તારાથી ચારિત્રદશા પ્રગટ ન થઈ શકે તો છેવટમાં છેવટ આત્મસ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ અવશ્ય તારું કલ્યાણ થશે. ૩. કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલાં રાગ ટળી જાય પછી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાયદષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને સ્વભાવદષ્ટિથી જો તો તારા રાગ રહિત સ્વરૂપનો તને અનુભવ થાય. જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે તે વખતે જ રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે; માટે પર્યાયદષ્ટિ છોડીને તારા રાગ રહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પ કાળે ટળી જશે, પણ એ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી. ૪. આત્માર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે પર્યાયમાં રાગ ન છૂટી શકે તો પણ મારું સ્વરૂપ રાગ રહિત જ છે એવી શ્રદ્ધા તો અવશ્ય કરે. આચાર્યદેવ કહે છે કે તારાથી ચારિત્ર ન થઈ શકે તો પણ શ્રદ્ધામાં ગોટા વાળીશ નહિ. તારા સ્વભાવને અન્યથા માનીશ નહિ. ૫. ખાસ પંચમકાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કહે છે કે આ દગ્ધ પંચમકાળમાં તું શક્તિ રહિત હો તો પણ કેવળ શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમકાળમાં સાક્ષાત મુક્તિ તો નથી પણ ભવભયનો નાશ કરનાર એવો પોતાનો સ્વભાવ છે, તેની શ્રદ્ધા કરવી એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પકાળમાં ભવ રહિત થઈ જઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈ પણ ઉપાય - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર !
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy