________________
ગૌતમ મૌન રહ્યા. કદાચ તેમને લાગ્યું હશે કે આ મારી અંગત બાબત છે.
એકદા ભગવાને ગૌતમને સ્કંદક પરિવ્રાજકની વાત કરી. પિંગલક નિગ્રન્થે પૂછેલા પ્રશ્નોના જવાબ મેળવવા તે પ્રભુ વીર પાસે આવી રહ્યો હતો. તરત ગૌતમના હોઠેથી પ્રશ્ન સરક્યો ઃ પ્રભુ ! તે દીક્ષા લેશે ? પ્રભુ તે મોક્ષે જશે ? અને જવાબ હકારમાં મળ્યો. ત્યારે સસંભ્રમ તે સ્કંદક પરિવ્રાજકને આવકારવા ગૌતમ દોડી ગયા. સાગયં ખંદયા ! સુસાગયં ખંદયા ! અણુસાગયં ખંદયા !
મને યાદ આવે છે એક દીવડો. તે સૂર્ય કરતાં પણ પોતાને તેજસ્વી માનતો હતો. અને તેથી સૂર્યની સાથે સંઘર્ષમાં ઉતર્યો. પણ, સૂર્ય સામે તેનું શું ગજું ? તે હાર્યો પણ હાર્યા પછી સૂર્યનો એવો સેવક બની ગયો કે સૂર્યની આરતી ઉતારવા લાગ્યો. અરે ! સૂર્ય ઉગતા પહેલાની પ્રભાની પણ આરતી ઉતારવા લાગ્યો.
આ દીવડો તે બીજું કોઇ નહિ પણ ગૌતમ. સૂર્ય સમાન સાક્ષાત્ સર્વજ્ઞની સામે પડ્યા, પણ હાર્યા. ખરેખર તો જીત્યા. પછી સર્વજ્ઞતાના કેવા ઉપાસક બની ગયા. સ્કંદક તાપસ પ્રભુની પાસે આવીને આત્મલાભ પ્રાપ્ત કરવાના છે તેવું પ્રભુ પાસે જાણ્યું ત્યારે તે આવી રહેલા અને હાલ મિથ્યાત્વની અવસ્થામાં રહેલા સ્કંદક પરિવ્રાજકને સત્કારવા તે દોડી ગયા !
૫૪