________________
અરે ! હાથીની શું વાત કરું ? - જે એકેન્દ્રિયમાં જીવત્વની શ્રદ્ધા પણ દુષ્કર છે, તેવા એક એકદ્રિય સાલવૃક્ષને નિહાળી ગોતમ પ્રભુને પૂછે છેઃ ભગવદ્ ! આ સાલવૃક્ષનો જીવ અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે ?
ગૌતમ, તે ફરીથી આ જ રાજગૃહીમાં શાલવૃક્ષ તરીકે ઉત્પન્ન થશે. પ્રભુ, પછી ત્યાંથી મરણ પામીને એ ક્યાં જશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇને સિદ્ધ થશે.
તેવો જ પ્રશ્ન શાલવૃક્ષની ડાળી માટે પણ ગૌતમ પૂછે છે. હાથી અને વૃક્ષના જીવોની પણ મોક્ષ પર્યન્તની ભવપરંપરા જાણવાની ગૌતમને જિજ્ઞાસા ઉદ્દભવે છે. કમાલ, ગૌતમ ! કમાલ. પ્રત્યેક જીવમાં જીવત્વની શ્રદ્ધા પણ દુષ્કર છે ત્યારે પ્રત્યેક જીવના શિવનો વિચાર અમારે ક્યાંથી લાવવો? બધાના કેવલજ્ઞાન અને મોક્ષની ગૌતમને ચિંતા ! જીવમાત્ર પ્રત્યેના પ્રકૃષ્ટ સદ્ભાવની સંવેદનાથી ભર્યુંભર્યું હતું ગૌતમનું હૃદય ! ગૌતમસ્વામીનાં મુખમાંથી ફુરેલા પ્રશ્નોનો વિષય બનનાર તે જીવાત્માઓની દિલમાં થોડી અસૂયા થઇ આવે છે.
આત્મીયતાના નાતે મેં ગૌતમને ચીડવવાનો પ્રયાસ કર્યો. જુઓ, આ આખા ગામનાં કેવલજ્ઞાન અને મોક્ષની ચિંતા કરવામાં તમે તમારું ચૂકી ગયા ! તમારા ૫૦ હજાર શિષ્યો કેવલી બની ગયા તોય તમે કેવલજ્ઞાન વગર હાથ ઘસતા રહી ગયા. કેવલજ્ઞાન માટે તમારે કેટલી બધી ધીરજ ધરવી પડી ! પહેલાં જાતની ચિંતા કરવી જોઇએ કે ગામની ?
જાણે ખડખડાટ હસીને ગૌતમ ખૂબ પ્રેમથી મને કહી રહ્યા છે. દોસ્ત તું મારા મોક્ષની આટલી બધી ચિંતા કરે જ છે ને ! તો હું બીજાની ચિંતા ન કરું?
ગૌતમને મેં સીરીયસલી પૂછ્યું, “ફલાણાનો મોક્ષ ક્યારે થશે અને ઢીંકણાનો મોક્ષ ક્યારે થશે આવા પ્રશ્નો આપને ઉદ્ભવ્યા. બીજાના મોક્ષની વાત તો દૂર રહી, મારો મોક્ષ ક્યારે થશે ? આવો પ્રશ્ન પણ મને મારા અંતરના ઊંડાણમાંથી ક્યારે ઉદ્ભવશે ?”
જ ૫૩