________________
માતૃભાષાની અવગણના થાય છે ત્યારે માત્ર ભાષા નથી સુકાતી ભાવના પણ
સુકાય છે.
‘પાંજરાપોળ’ નો આબેહૂબ અંગ્રેજી પર્યાય ન મળી શકે.
અબોલ-અપંગ પશુઓ પ્રત્યેની નીતરતી દયાભાવનાનો પડઘો પાડનારી પાંજરાપોળ એ આપણી ધરતી પરનું ઘરેણું છે.
બિન-ઉપયોગી અને બિન-ઉપજાઉ પશુને કતલખાને મોકલી દેવાની ક્રૂર સ્વાર્થ ભાવનાને સામે છેડે જીવદયાની આ ઉન્નત ભાવના છે.
માતૃભાષાને અવગણીને બાળક એક નવી ભાષાના શરણે જાય છે. ત્યારે તે કરુણાપ્રધાન જીવનશૈલીથી વિમુખ બની સ્વાર્થપ્રધાન સંવેદનબધિર જીવન પદ્ધતિના શરણે જાય છે. પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઘેલછા રાખનારા મા-બાપને પોતાના સંતાન પર પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પશ્ચિમી વિચારધારા સવાર થઈ જાય તે માન્ય છે ખરું ?
ટુથપેસ્ટ અને ટુથ-બ્રશ બંને ભેગા થાય ત્યારે ‘દાતણ’ ની બરાબરી કરી શકે. આધુનિક પ્રચારશૈલીમાં દાતણની જાહેરાત આ રીતે થઈ શકે :
પેસ્ટ કમ બ્રશ, ટુ ઈન વન.
‘દાતણ’ નો અંગ્રેજી પર્યાય નહિ મળે.
‘બ્રશ’નો ગુજરાતી પર્યાય નહિ મળે.
રંગવાના બ્રશ માટે પીંછી કે કૂચડો જેવા શબ્દો છે. પણ, ટુથ-બ્રશ કે વૉશિંગ - બ્રશને સમજવા ગુજરાતી શબ્દકોષમાં ‘બ્રશ’નો કોઈ પર્યાય નહિ મળે.
‘દાતણ’ શબ્દની સાથે વનસ્પતિશાસ્ત્ર, વનસ્પતિના ઔષધીય ગુણો, પ્રકૃતિ સાથેનો માનવજીવનનો સંદર્ભ વગેરે અનેક બાબતો સંકળાયેલી છે. ટુથપેસ્ટ કે ટુથબ્રશનો સંબંધ આધુનિક યંત્રવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન સાથે છે.
શબ્દ બદલાય છે તેની સાથે વિચારની અને જીવનપદ્ધતિની દિશા બદલાય છે.
ભવ્ય ભાષા : માતૃભાષા
૫૭