________________
ભક્તો પૂરેપૂરા સજજ હોય, તેઓ ગુરુના દૃષ્ટિપાત વડે શક્તિપાતની દીક્ષા પામી જાય અને ગુરુ ચાલવા લાગે. આજે તો ગુરુએ કમાલ કરી ! ત્રણ મુક્કીઓ લગાવી...
મસ્ત્રી આગળ કહે છે : મહારાજ ! એ મુક્કી ગુરુની મેજ પર નહિ, આપણા અસ્તિત્વ પર પડેલી હતી... આપણા અસ્તિત્વ પર જામેલ રાગ-દ્વેષની ધૂળને ગુરુએ ખંખેરી નાખી ! આપણને સ્વચ્છ કર્યા.
સમ્રાટ સમજ્યો, ખુશ થયો.
પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજનું એક ચોટડૂક વિધાન યાદ આવેઃ “ગુરુ મોહે મારે શબ્દ કી લાઠી, ચેલે કી મતિ અપરાધિની નાઠી...”
ગૌતમ સ્વામી મહારાજ અષ્ટાપદ પર યાત્રાર્થે ગયા અને ૧૫૦૦ તપસ્વીઓને તેમણે દીક્ષિત કર્યા અને નૂતન દીક્ષિતો કૈવલ્યને પામ્યા.
સદ્ગુરુ શિષ્યો પર કઈ રીતે કાર્ય કરે છે એનો અણસાર આ ઘટનામાંથી મળે છે.
ઘટના ઐતિહાસિક છે, પણ એના સાધક તરફ ખૂલતા સંકેતોને ખોલવા યત્ન કરીએ.
ગૌતમ... ગાય એટલે પવિત્રતા, ગૌતમ એટલે અત્યન્ત પવિત્ર સાધક.
બહાર તો અષ્ટાપદ પર્વત છે જ. આપણી ભીતર પણ એક અષ્ટાપદ છે. મૂલાધારથી લઈને આજ્ઞા સુધીનાં છ ચક્રો અને સાતમું સહસ્ત્રાર; આવી પદ્ધતિને સમાન્તર સાત ચક્ર + સહસાર એમ આઠ ચક્રોની પણ એક પદ્ધતિ છે. તો, એ આઠ ચક્રો તે આઠ પગથિયાં. એ જ ભીતરી અષ્ટાપદ.
પ્રગટ્યો પૂરન રાગ